- નગરપાલિકાના વોર્ડ નં.3ના કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો
- માર મારતા ઉમેદવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- આવેદનપત્ર આપી કાયદેસર કાર્યવાહીની અને પોલીસ રક્ષણની માગ
નડિયાદ: નગરપાલિકાના વોર્ડ નં.3 કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. તે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને લઈ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હોસ્પિટલ પહોંચ્યા હતા. હુમલાના મામલામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા અધિકારી કલેકટરને આવેદનપત્ર આપી હુમલાખોરોને ઝડપી કાયદેસર કાર્યવાહી કરવા તેમજ કોંગ્રેસ ઉમેદવારોને પોલીસ રક્ષણ આપવાની માગ કરી હતી.
હુમલો કરતાં ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા
નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં.3માં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનારા દીપક વાઘેલા ગુરૂવારની રાત્રે ખોડીયાર ગરનાળા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યાં હતાં. આ બાબતે કોંગ્રેસના આગેવાનોને જાણ થતાં તેઓ તુરંત ખોડીયાર ગરનાળા પર પહોંચ્યાં હતાં.
બંને પગે માર મારતા ભારે ઈજાઓ પહોંચી
દીપકના બન્ને પગે ખૂબ જ માર માર્યો હોવાનું અને તે ઉભા પણ રહી શકતાં ન શકતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી, તાત્કાલિક મહાગુજરાત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવના પગલે શહેરમાં ભારે હોબાળો મચી ગયો હતો અને કોંગ્રેસના ટેકેદારો હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં.
આવેદનપત્ર આપી કાયદેસર કાર્યવાહી અને પોલીસ રક્ષણની માગ
હુમલાની ઘટનાનો ઉગ્ર વિરોધ નોંધાવી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં ન્યાયની માગ સાથે સૂત્રોચ્ચારો કરી અધિકા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. જેમાં હુમલાખોરને તાત્કાલિક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ કોંગ્રેસના ઉમેદવારોને પોલિસ રક્ષણ આપવાની માગ કરવામાં આવી હતી.