ખેડા: એ.પી.એમ.સીના હોદેદારો દ્વારા નડિયાદ શહેરમાં શાકભાજી મળી રહે તે માટે વોર્ડ મુજબ બે-ત્રણ ટેમ્પા રીક્ષામાં શાકભાજીની બેગ તૈયાર કરી આપવાની વ્યવસ્થા અમલમાં મૂકવાનું ઠરાવવામાં આવ્યું હતું.
એ.પી.એમ.સીના સેક્રેટરી અરવિંદભાઇએ જણાવ્યું કે, જિલ્લા કલેકટરની સૂચનાના અનુસંધાને એ.પી.એમ.સીમાં શાકભાજી વેચવા આવતા ખેડૂત મિત્રો પાસેથી સીધે શાક વ્યાજબી ભાવે ખરીદીને તેના પૈસા ચૂકવી દઇએ છીએ. આમ, શહેરમાં શરૂઆતમાં 60 ટેમ્પી રીક્ષાઓમાં પાંચ કિલો શાકભાજીની બેગ્સ તૈયાર કરી રૂપિયા 50/-માં એક બેગ આપતા હતા. આ બેગમાં 1.5 કિલો બટાટા, 1 કિલો ડુંગરી, મરચાં, લીંબુ, કોથમરી તથા સીઝન અને ગૃહિણીઓની માંગણી મુજબનું શાક પણ જો વ્યવસ્થા થાય તો આપતા હતા.
અમારી આ યોજનાનો વ્યાપક પ્રમાણમાં પ્રતિસાદ સાંપડયો હતો. હવે જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ હાલના તબ્બકે અમે રોજ 25 થી 30 ટેમ્પા દ્વારા આ કામ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે નહિ નફો નહિ નુકશાનના ધોરણે રૂપિયા 16 થી 17 લાખની શાકભાજી નડિયાદ શહેરમાં આપી ચૂકયા છીએ. તેઓએ ઉમેર્યું હતું કે, આ યોજનામાં અમે શાકભાજી ખરીદીને સલૂણ બજાર પાસે આવેલા વરીયાળી માર્કેટ ખાતે લઇ જઇએ છીએ, ત્યાં આ શાકભાજી બેગ્સમાં ભરીને બેગ્સ તૈયાર કરવામાં આવે છે. દરેક બેગમાં નિયત માપ મુજબ શાકભાજી ભરાઇ જતા આ બેગ્સ લોડીંગ ટેમ્પીમાં સવારના 6.30થી 9.00 દરમિયાન શહેરના વોર્ડમાં મોકલી દેવામાં આવે છે.
ટેમ્પીઓ જાહેરનામામાં દર્શાવેલા નિયત સમય પહેલા પરત વરીયાળી માર્કેટ આવી જાય છે. આમ, અમે વહિવટી તંત્ર દ્વારા નિયત કરેલા સમય અને નિયમોનું પાલન કરીને શહેરીજનોને શાક ઘરે પહોંચાડી રહ્યા છીએ.
જિલ્લા કલેકટર આઇ.કે.પટેલની દિર્ધ દ્રષ્ટિના કારણે શાકભાજીની નડિયાદ શહેરમાં તંગી પડી નથી. શાકભાજીના વધુ ભાવ શહેરીજનોને આપવા પડતા નથી, સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે છે ,તેમજ લોકડાઉનમાં શાકભાજી ખરીદીના બહાને ઘર બહાર નીકળતા તત્વોને કાબુમાં રાખી શકાયા છે.