ખેડા: અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના દસ જીલ્લાઓમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખોની નિમણુંક કરવામાં આવી છે. જે પૈકી ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ચંદ્રશેખર સિંહ અજીતસિંહ ડાભીની વરણી કરવામાં આવી છે. ચંદ્રશેખર સિંહ ડાભીની ખેડા જિલ્લા પ્રમુખ પપદે નિમણુંક કરવામાં આવતા તેમના પરિવારજનો સહિત તેમના સર્મથકો અને કાર્યકરોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે ચંદ્રશેખર સિંહ ડાભીની નિમણુંકના તેમને અભિનંદન પાઠવવામાં લોકો અને સમર્થકો ઉમટી પડ્યાં હતાં.
કોંગ્રેસ પક્ષના વફાદાર: ચંદ્રશેખર સિંહ ડાભી છેલ્લા છ માસથી ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતાં. ચંદ્રશેખર સિંહ ડાભીની નિમણુંકને પગલે સમર્થકો અને કાર્યકરો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, ચંદ્રશેખર સિંહ ડાભી જીલ્લાના અગ્રણી કોંગ્રેસી પરિવારમાંથી આવે છે. તેમના દાદા અને પિતા પણ જીલ્લા કોંગ્રેસમાં વિવિધ ભૂમિકાઓ નિભાવી ચુક્યા છે, તેમજ સાંસદ પણ રહી ચુક્યા છે. ચંદ્રશેખર સિંહ છેલ્લા 29 વર્ષથી કોંગ્રેસ કાર્યકર તરીકે પક્ષની સેવા કરી રહ્યા છે.
કોંગ્રેસમાં વિવિધ ભૂમિકા ભજવી: મહત્વપૂર્ણ છે કે, ચંદ્રશેખર સિંહ ડાભી ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે 14 વર્ષ ફરજ બજાવી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ મહેમદાવાદ તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ સતત ત્રણ ટર્મ રુદણ બેઠક પરથી ચૂંટાયા છે. મહેમદાવાદ તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ કામગીરી બજાવી છે. વધુમાં તેઓ મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે છ વર્ષ સેવા આપી ચુક્યા છે. હાલ છેલ્લા છ મહિનાથી તેઓ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતાં.
ત્યારે કહી શકાય કે, કોંગ્રેસ પક્ષને વફાદાર અને પક્ષની ઈમાનદારી પૂર્વક સેવા કરવા બદલ ચંદ્રશેખર સિંહ ડાભીને કોંગ્રેસ પાર્ટીએ ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ આપીને તેમનું કદ વધાર્યું છે.