ખેડાઃ જિલ્લામાં કોરોના મહામારીના પગલે લોકડાઉનને લઇને ફસાયેલા 1304 શ્રમિકોને નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન UPમાં જવા માટે વધુ એક સ્પેશિયલ ટ્રેન રવાના થઈ હતી.
નડિયાદ રેલવે સ્ટેશનથી UPના કાશગંજ રેલવે સ્ટેશન માટે ઉપાડવામાં આવેલી સ્પેશિયલ ટ્રેનને ખેડાના નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજાએ લીલી ઝંડી ફરકાવી રવાના કરી હતી. આ ટ્રેનમાં ખેડા જિલ્લાના ખેડા, ઠાસરા, વસો, કઠલાલ, ગલતેશ્વર, કપડવંજ, મહેમદાવાદ તેમજ અમદાવાદ રેલવે સ્ટાફના કર્મચારી મળી કુલ 1304 શ્રમિકો અને મુસાફરો UP પોતાના વતન તરફ રવાના થયા હતા.

તમામ પ્રવાસીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુકો નાસ્તો તથા પીવાના પાણીની મિનરલ બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ શ્રમિકો, પ્રવાસીઓનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.