નડિયાદના નેહરુનગરથી ખંભાત ખાતે પોતાના ભાઈની ખબર પૂછવા ગયેલા મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પરિવારજનો સહિત સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં મહિલાના તમામ પરિવારજનોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.પરંતુ આ મહિલાના ઘરે કામ કરતા બહેનના પતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.જેને પગલે તંત્ર દ્વારા તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની ઓળખ કરી રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ખંભાતમાં રહેતા કોરોના પોઝીટીવ એવા પોતાના ભાઈની ખબર જોવા ગયેલી નડિયાદના નહેરૂનગરની મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરાઈ હતી.જેમાં સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરી પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ મહિલાના પરિવારજનો તેમજ સંપર્કમાં આવેલા 15 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી તમામ પરિવારજનો તેમજ સંપર્કમાં આવેલા લોકો મળી 14 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે મહિલાના ઘરે કામ કરવા આવતા બહેનના પતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે જણાવ્યું હતું કે, નડિયાદમાં કોરોના પોઝીટીવનો આ બીજો કેસ નોંધાયો છે. જેને લઈ તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની ઓળખ કરી તેમના રિપોર્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.તેમજ કવોરોન્ટાઈન કરવાની પણ કામગીરી કરાઈ છે. મહત્વનું છે કે, પહેલો કેસ નોંધાતા જ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તાર પ્રતિબંધિત કરવા સહિત સતર્કતા વધારી દેવામાં આવેલી છે.