- વિદેશી દારૂના જથ્થા સાથે સરપંચનો પતિ ઝડપાયો
- કાર અને ઘરમાંથી ઝડપાયો રૂ. 3.27 લાખનો દારૂ
- ત્રણ દિવસના રિમાન્ડ પર,રિમાન્ડ દરમ્યાન ફરી ઝડપાયો દારૂ
ખેડા: જિલ્લામાં LCBની ટીમ મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાસણા ગામે મહિલા સરપંચ અનુબેન પટેલના પતિ સુમિત પટેલ દ્વારા વિદેશી દારૂ વેચવામાં આવતો હોવાની બાતમી મળી હતી.
કાર અને ઘરમાંથી ઝડપાયો દારૂ
ચોક્કસ બાતમીને આધારે પોલિસ દ્વારા વાસણા ગામમાં સુમિત પટેલની પૂછપરછ કરી તેમની ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી 39 નંગ વિદેશી દારૂના ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસ દ્વારા તેના મકાનમાં તપાસ કરવામાં આવતા મકાનમાંથી રૂ.2,20,000ની કિંમતની વિદેશી દારૂની 552 નંગ બોટલ મળી આવી હતી. જેને લઈ પોલીસ દ્વારા સુમિત પટેલની અટકાયત કરવામાં આવી છે. જેમાં આણંદના ઈદાભાઈ પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હોવાની કબૂલાત કરતા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
દારૂ, કાર તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો
પોલિસ દ્વારા વાસણા ગામના સરપંચના પતિ સુમિત પટેલની કાર તેમજ ઘરમાંથી ઝડપવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો, 3 મોબાઇલ ફોન તેમજ સ્વીફ્ટ કાર સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલિસ દ્વારા સુમિત પટેલ અને ઈદાભાઈ આણંદવાળા વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિમાન્ડ દરમ્યાન વધુ દારૂ ઝડપાયો
પોલિસ દ્વારા સુમિત પટેલને કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.રિમાન્ડ દરમ્યાન સરપંચના ઘરે ફરી તપાસ કરતા વધુ રૂ.1.2 લાખનો દારૂ મળી આવ્યો હતો.આમ કુલ રૂ.3.27 લાખના દારૂ સહિત રૂ.7,38,400 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.