ખેડાઃ જરૂરિયાતમંદોને ભોજન સાથે સમાજને સેવાભાવનાની પ્રેરણા પુરી પાડતું વડીલોનું આ ખીચડી ઘર નિવૃત્તિમાં સદપ્રવૃત્તિ અને સેવા ભાવનાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. કોરોનાની મહામારીમાં ગરીબ જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ભાવનાને લઈ મિત્રોએ ભેગા મળી જરૂરિયાતમંદો માટે ખીચડી ઘરની સેવા શરૂ કરવામાં આવી હોવાનું આ વડીલો જણાવી રહ્યાં છે.


દરરોજ અંદાજિત 250 જેટલા જરૂરિયાતમંદો અહીં ભોજન કરે છે. જેમાં ખીચડી, દાળભાત,દાળ ઢોકળી ભાત, રસ પુરી,પુરી શાક તેમજ મીઠાઇ એમ રોજ જુદુંજુદું ભોજન આપવામાં આવે છે. વડીલોની આ ભોજન સેવા અનેક જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ ભોજન સેવા માટે સામગ્રી લાવવાની, ભોજન તૈયાર કરાવવાની તેમ જ ભોજન વિતરણ કરવાની તમામ કામગીરી આ વડીલો દ્વારા જાતે જ કરવામાં આવે છે. આ વડીલોમાં કોઈ એરફોર્સ, કોઈ સરકારી અધિકારી તો કોઈ કોલેજમાં આચાર્ય તરીકે એમ વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવી હાલ નિવૃત જીવન સેવા કાર્યોમાં વિતાવી રહ્યાં છે.
વયોવૃદ્ધ અવસ્થામાં પણ સેવા ભાવનાનો વડીલોનો આ જુસ્સો ખરેખર જ સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.