ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રાકૃતિક કૃષિના પ્રણેતા પદ્મશ્રી સુભાષ પાલેકર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાપ્તાહિક તાલીમ શિબિરના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોની ઉપસ્થિતિ અને ખેડૂતોની ઉત્સુકતાના દર્શનથી જ કહી શકીએ કે, ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ થઇ રહ્યો છે.
રાજ્યપાલે પોતાના ખેડૂત તરીકેના સ્વાનુભવ અંગે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીને કારણે જળ, જમીન, વાતાવરણથી ખાદ્યાન્ન દુષિત થઈ ગયા છે. અસાધ્ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ધરતી પર માનવ અસ્તિત્વની સાથે કૃષિની શરૂઆત થઈ ત્યારથી કોઈ રાસાયણીક ખેતી કરતું નહોતું. રસાયણ વિના કૃષિ થાય નહીં એવો ભ્રમ હવે ભાંગવો પડશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંગેનું અદ્યતન જ્ઞાન ખેડૂતોને આ કાર્યશાળાના માધ્યમથી સાત દિવસ સુધી મળવાનું છે. જે આગામી સમયમાં ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી ખેડૂતોની આવક ડબલ કરનારૂં સાબિત થશે. મુખ્યપ્રધાને ભારતીય સંસ્કૃતિમાં ગાય, ગંગા, ગીતા અને ગાયત્રીના મહત્વની સમજ આપી જીવથી શિવ સુધીની યાત્રાને પ્રકૃતિના આધાર સાથે સર્વ જીવો માટેનું કલ્યાણ થાય તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિના પ્રણેતા પદ્મશ્રી સુભાષ પાલેકરે પ્રાકૃતિક કૃષિ અંગેની જાણકારી આપવા સાથે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદનું નામ બદલવા વિનંતી કરી હતી. આ પ્રસંગે કૃષિ રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમાર, પશુપાલન રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડ, મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિત કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિભાગના અધિકારીઓ સહિત તાલીમાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.