ખેડા: કઠલાલના વિશ્વનાથપુરા ગામે કાચુ પતરાવાળુ મકાન દિવાલ સાથે અચાનક ધરાશાયી થતાં ભારે અફડાતફડી મચી જવા પામી છે. ડાભી શીવાભાઈ અમરાભાઇનુ મકાન એકાએક પતરા સાથે ધડામ કરતા પડતાં ઘરમાં હાજર 6 સભ્યોને મકાનનો કાટમાળ વાગતા ઈજા પહોંચી હતી. આ પૈકી એક કિશોરનું કાટામાળ નીચે દબાઈ જતાં ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.
પોલીસ તેમજ મામલતદાર ઘટનાસ્થળે: ઘટના બાબતે જાણ થતા કઠલાલ મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના મામલે કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢી ઘાયલ 5 વ્યક્તિઓને તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તાત્કાલિક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાને લઈને ગામલોકો પણ ભેગા થઇ ગયા હતા.
'ઘટનાને લઈ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનામાં એક કિશોરનું મોત થયું હતું તેમજ પાંચ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં મૃતક વિદ્યાર્થી આઠમા ધોરણમાં ભણતો હતો જેને નિયમ મુજબ વિદ્યાર્થી સહાય મળવા પાત્ર થશે.' -બી.પી.ચૌહાણ, મામલતદાર, કઠલાલ
5 લોકો ઈજાગ્રસ્ત: ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા પરિવારના અન્ય 5 વ્યક્તિઓને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં ભુરાભાઈ શિવાભાઈ ડાભીનું મોત નિપજ્યુ હતું. જ્યારે શિવાભાઈ અમરાભાઈ ડાભી (ઉ.વ.60), ઈન્દુબેન શીવાભાઈ ડાભી (ઉ.વ.55), શંકરભાઈ શીવાભાઈ ડાભી,મીનાબેન શીવાભાઈ ડાભી (ઉ.વ.25) અને અજય વિષ્ણુભાઈ ગોહિલ (ઉ.વ.16)ને ઈજાઓ પહોંચી હતી. હાલ ઈજાગ્રસ્ત લોકો સારવાર હેઠળ છે.