- ભાજપના કાર્યકર્તાનું સંમેલન યોજાયું
- સરપંચો, તાલુકા સભ્ય, આગેવાનો સહિત કોંગ્રેસના 100 કાર્યકરો ભાજપમાં જોડાયા
- પરંપરાગત રીતે કોંગ્રેસના ગઢ ગણાતા મહુધામાં ભાજપે મોટું ગાબડું પાડ્યું
ખેડાઃ રવિવારના રોજ મહુધાના મિરઝાપુર ખાતે ભાજપ દ્વારા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લા ભાજપના પ્રભારી જયસિંહ ચૌહાણ, ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિંહ ચૌહાણ તેમજ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરપંચો, તાલુકા સભ્ય, આગેવાનો સહિત કોંગ્રેસના 100 કાર્યકરો ભાજપમાં જોડાયા
ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં મહુધા તાલુકાના 17 સરપંચો, 3 ઉપસરપંચ, 4 પૂર્વ સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, દૂધ મંડળીના ચેરમેન સહિત 100થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા હતા. નવા જોડાયેલ કાર્યકર્તાઓને ભગવા ખેસ ધારણ કરાવી આગેવાનો દ્વારા ભાજપમાં આવકારવામાં આવ્યા હતા.
મહુધામાં બિહાર જેવી સ્થિતિ હોવાથી વિકાસ માટે ભાજપમાં જોડાયા
આ પ્રસંગે નવા જોડાયેલ કાર્યકરોએ મહુધામાં બિહાર જેવી સ્થિતિ હોવાનું જણાવી તાલુકાનો વિકાસ કરવા ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું. ભાજપ આગેવાનોએ નવા કાર્યકર્તાઓને આવકારતા ભાજપના અવિરત વિકાસ રથમાં મહુધાનું મહેણું ભાંગવા કાર્યકરોને હાકલ કરી હતી. સાથે જ આગેવાનો દ્વારા નવા જોડાયેલ કાર્યકર્તાઓને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા કામે લાગી લાગી જવા જણાવાયું હતું.
મહત્વનું છે કે આગામી સમયમાં તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. તે પહેલા જ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
મહુધા પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ
મહુધા પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ ગણાય છે. વિધાનસભા ઉપરાંત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા પણ કોંગ્રેસના હાથમાં જ છે. ત્યારે આગામી ચૂંટણી પહેલાં કોંગ્રેસના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે, જેને લઇને વધતી ઠંડી વચ્ચે મહુધામાં રાજકીય માહોલ ગરમાયો છે.