- મુખ્ય સૂત્રધાર મૂળ મહારાષ્ટ્રની માયા નામની મહિલા
- ખેડા SOG દ્વારા બાતમીને આધારે છટકું ગોઠવવામાં આવ્યું
- નવજાત બાળક સાથે 4 મહિલાઓને ઝડપી પાડવામાં આવી
ખેડા: જિલ્લા SOGની ટીમે બાતમીના આધારે છટકું ગોઠવીને બાળકો વેચવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અન્ય રાજ્યોની ગરીબ મહિલાઓને મોટી રકમની લાલચ આપી ફસાવાતી આ ટોળકી નાણાકીય તંગીમાં હોય તેવી પ્રેગ્નન્ટ મહિલાઓને રૂપિયાની લાલચ આપીને ફસાવતી હતી. તેમને ગુજરાતમાં લાવીને ડિલીવરી કરાવી બાળકને મોટી રકમ લઈને બીજાને વેચી દેવામાં આવતું હતું. સમગ્ર કૌભાંડની મુખ્ય સૂત્રધાર મૂળ મહારાષ્ટ્રની માયા નામની મહિલા છે.જે અન્ય મહિલાઓને પોતાની સાથે ભેળવી આ કૌભાંડ ચલાવી રહી હતી. જે અત્યાર સુધી આ રીતે અનેક બાળકોને જુદા જુદા રાજ્યોમાં વેચી ચૂકી છે. પોલીસે તેના સહિત કુલ 4 મહિલાઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા એસઓજીએ બાતમીને આધારે છટકું ગોઠવ્યું
કૌભાંડ મામલે ખેડા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, બહારના રાજયની અને હાલ નડીયાદ ખાતે રહેતી મોનિકાબેન નામની મહિલા બહારના રાજ્યની ગરીબ પ્રેગ્નેટ મહિલાઓને અહીં લાવીને તેમની ડીલીવરી કરાવડાવ્યા બાદ બાળક અન્યને વેચે છે અને હાલ તે નડીયાદ શાકમાર્કેટની આજુબાજુમાં મહીલાઓને પૂછપરછ કરવાની ગતીવિધીમાં છે. બાતમીના આધારે પોલીસે છટકું ગોઠવીને તેણી સહિત કુલ 4 મહિલાઓને ઝડપી પાડી હતી.
નવજાત બાળક સાથે મહિલાઓને ઝડપાઈ
બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક બનાવીને નડીયાદ શાકમાર્કેટ ખાતે ગોઠવી હતી. વોચ દરમ્યાન તેઓએ ડમી ગ્રાહક મહીલા કર્મચારીને બાળક થોડીવારમાં લાવી આપવા જણાવતા સતત તે મહિલાઓ ઉપર નજર રાખી રહી હતી. આ દરમ્યાન એક મહિલા નાનુ બાળક લઇ સંતરામ મંદીરની બાજુમાં આવેલા શાકમાર્કેટમાં આવી હતી. તેની પાસેનું બાળક ત્રણ મહિલાઓ પૈકી એક મહિલાને આપતા તેઓ ત્રણેય મળીને અંદરો અંદર વાતચીત કરીને ડમી ગ્રાહક મહિલા અધિકારીને ઇશારો કરી બોલાવીને વેચાણ આપવાની કિંમત રૂપિયા ૬ લાખ સુધીની નક્કી કરવાની વાતચીત કરી હતી. તે દરમ્યાન સમગ્ર ટીમે ચારેબાજુથી કોર્ડન કરી ઝડપી પાડવામાં આવ્યા હતા.