સેવાલીયા ખાતે મહીસાગર બ્રિજ પાસે ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોનું ચેકીંગ કરવાની કાર્યવાહી દરમિયાન એક ખાનગી ટ્રાવેલ્સ બસમાં લઇ જવાતી ભારતીય બનાવટની 4 પિસ્તોલ સાથે 1 ઈસમને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
જે મામલે જામનગરમાં રહેતા મૂળ માધોગઢ, ઉત્તરપ્રદેશના ગજેન્દ્રસિંહ દેવસિંહ કુશવાહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઇસમ જે બસમાં મુસાફરી કરી રહ્યો હતો, ત્યારે પોલીસે તેની બેગ તપાસતા તેમાંથી 4 પિસ્તોલ મળી આવી હતી. તેની પાસેથી એક સાથે ચાર પિસ્તોલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસ દ્વારા આ મોતનો સામાન ક્યાંથી લાવ્યો હતો, ક્યાં લઇ જવાનો હતો તેમજ કોને આપવાનો હતો, ગુનાખોરીની કઈ ઘટનાને અંજામ આપવાનો હતો. તે સહિતની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, પ્રાથમિક તપાસમાં પોલીસને આરોપી બસમાં ઈન્દોરથી અમદાવાદ જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ તેની પાસેથી ભોપાલની ટિકિટ મળી આવી હતી, ત્યારે આ ઈસમ ઘાતક હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી કરતો હોવાની પણ આશંકા છે.
મહત્વનું છે કે, જીલ્લા તેમજ રાજ્યમાં રાજ્ય બહારથી ઘાતક હથિયારો ઘુસાડવાની પ્રવૃત્તિ પ્રકાશમાં આવતી હોય છે. જે હથિયારો દ્વારા વિવિધ શહેરોમાં લૂંટ, હત્યા સહિતની ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે, ત્યારે પોલીસને ઘાતક હથિયાર સાથે આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા સાંપડી હતી.