ખેડા : "ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઇચ્છું છું. હું ગુજરાતીઓને કહું છું કે તમે શરીરે ભલે દૂબળાં હો પણ કાળજું વાઘ સિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો," આ શબ્દો લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે. સરદાર પટેલનું જન્મસ્થળ ખેડા જિલ્લાના મુખ્યમથક નડિયાદ ખાતે આવેલું છે. આ સ્થળની મુલાકાત લઈને નવી પેઢી લોખંડી મનોબળ ધરાવતા સરદારના જીવનમાંથી પ્રેરણા મેળવી રહી છે.
સરદાર પટેલનું જન્મસ્થળ : સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તા. 31-10-1875 ના રોજ નડિયાદ ખાતે થયો હતો. તેમનું જન્મસ્થળ નડિયાદ શહેરના દેસાઈ વગા વિસ્તારમાં આવેલું છે. જ્યાં તેમનું ઘોડિયું આજે પણ સચવાયેલું છે. જાગૃત વાલીઓ પોતાના બાળકોને કાળજું સિંહનું રાખવાનું કહેનાર લોહપુરુષ સરદાર પટેના જન્મસ્થળની મુલાકાત કરાવી મહાપુરૂષના જીવનમાંથી પ્રેરણા લેવાનું શીખવાડી રહ્યા છે.
સરદાર સાહેબની ઐતિહાસિક તસવીર : સરદાર વલ્લભભાઈ પટેલે 1950 માં તેમના મૃત્યુ પહેલા પોતાની તસવીર પર પોતે સહી કરી હતી. તેના બે માસ બાદ તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ઐતિહાસિક તસવીર પણ તેમના જન્મસ્થાને આજે પણ સચવાયેલી છે. સરદાર પટેલના જન્મસ્થળની બાજુમાં રહેનાર પ્રદીપભાઈ દેસાઈ જણાવે છે કે, કરવેરાને લઈને શરૂ કરાયેલ ખેડા સત્યાગ્રહથી અંગ્રેજ સરકારને ઝુકવુ પડ્યું હતું. સરદાર સાહેબના જન્મસ્થળે તેમનું ઘોડિયું અને હસ્તાક્ષરવાળી ઐતિહાસિક તસવીર સચવાયેલી છે.
ખેડા સત્યાગ્રહ : વર્ષ 1918 માં અંગ્રેજ સરકારે ખેડૂતો પર અન્યાયી અને આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો આકરા કરવેરા ભરી શકે તેવી સ્થિતિમાં નહોતા. જેને લઈ ગાંધીજી અને સરદાર પટેલની આગેવાનીમાં ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. આ સત્યાગ્રહને પરિણામે અંગ્રેજ સરકાર ઝૂકી હતી અને કરવેરો માફ કર્યો હતો. તેમજ કરવેરાનો વધારો પાછો ખેંચ્યો હતો. ઉપરાંત અંગ્રેજોને લોકોની જપ્ત કરેલી સંપત્તિ પણ પરત કરવી પડી હતી.