ખેડા: ખેડા જિલ્લાના કણજરી ગામે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. આ મામલે પોલિસે બંને જુથના 13 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. ઘટનાને પગલે જિલ્લા પોલિસ અધિક્ષક સહિતનો પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિ નિયંત્રિત કરી હતી.
ક્યા કારણે થઈ બબાલ: ઘટનાની વિગતો મુજબ ગામમાં કેટલાક યુવાનો બેઠા હતા તે દરમિયાન સ્પીડમાં એક વ્યક્તિ બાઈક લઈને નીકળતા તે બાબતે બોલાચાલી થઈ હતી જોકે. આ મામલો થાળે પડી ગયો હતો. પરંતુ રાત્રે બંને પક્ષો વચ્ચે ફરી બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો. જેમાં બે કોમના લોકો સામસામે આવી જતાં પથ્થરમારો થયો હતો.
પોલિસે સ્થિતિને નિયંત્રણમાં લીધી: ઘટનાને પગલે સ્થાનિક વડતાલ પોલિસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. આ ઉપરાંત જીલ્લા પોલિસ અધિક્ષક સહિતનો પણ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.ગામમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.તેમજ ગામમાં શાંતી સ્થાપી હતી.
13 આરોપીઓને જેલ હવાલે: વડતાલ પોલિસ સ્ટેશનની યાદી મુજબ પોલિસ દ્વારા ગામમાં બંદોબસ્ત ગોઠવી વડતાલ પોલિસ સ્ટેશનમાં સામ-સામે બંને પક્ષો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દાખલ થયેલા ગુનાઓમાં સંડોવાયલ 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેઓને કોર્ટમાં રજૂ કરતા બિલોદરા જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.