જૂનાગઢ: આજે વિશ્વ સિંહ દિવસ છે. ત્યારે સિંહો સાથે જોડાયેલો શિકાર અને તેના પર આચરવામાં આવતી ક્રુરતાનો ઇતિહાસ ફોટોના સ્વરૂપે બુકમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે. 18 જાન્યુઆરી 1941માં પ્રદર્શિત થયેલી આ બુક જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની લાઇબ્રેરીમાં આજે પણ ઘરેણાની માફક સંભાળીને રાખવામાં આવી છે.
અંગ્રેજોનો શોખ ખાતર શિકાર: આ પુસ્તકમાં સિંહોના શિકાર અને અંગ્રેજ શાસન દરમિયાન સિંહ ઉપર ગુજારવામાં આવતી ત્રાસદીને પ્રકાશિત કરવામાં આવી છે. વર્ષ 1940માં ભારતમાં પણ સિંહોના શિકાર સામાન્ય માનવામાં આવતો હતો. આવા સમયે અંગ્રેજ શાસકોએ એકમાત્ર ગીરમાં જોવા મળતા સિંહોના શિકારને લઈને પોતાનો શોખ પૂરો કરતા હોય તેવા ફોટો સાથેની એક બુક પ્રદર્શિત કરી હતી.
વોઇસ રોયની ગીર મુલાકાત: 18મી જાન્યુઆરી 1941માં પ્રદર્શિત કરવામાં આવેલી આ બુક પર વોઇસ રોયની ગીર મુલાકાત એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બુકની અંદર સિંહોના શિકારને લઈને અંગ્રેજ શાસકોના કેટલાક અધિકારી અને તેના પરિવારના લોકો જોવા મળે છે. જેમાં સિંહોના શિકાર કર્યા બાદના ફોટોગ્રાફ્સ અને શિકાર સમયે જે તે કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી. તેની સાથે શિકાર કરવાના હથિયાર અને શિકાર પર જતા અંગ્રેજોના ફોટોગ્રાફ્સ તેના પરિવાર સાથે પ્રદર્શિત કરાયા છે.
" 18 જાન્યુઆરી 1941માં પ્રદર્શિત થયેલું આ પુસ્તક સરકારી કોલેજની લાઇબ્રેરીમાં ઘરેણા સમાન માનવામાં આવે છે. જેમાં વર્ષ 1941 પહેલા સિંહોના શિકારને લઈને કેટલીક તસવીરો સંગ્રહિત કરવામાં આવી છે. આજે આ પુસ્તક કોલેજની લાઇબ્રેરીમાં એક દુર્લભ અંક તરીકે પણ સાચવવામાં આવ્યું છે." - અમિત વાઘેલા, ગ્રંથપાલ
" સિંહ દૈવિય ગુણોથી ભરપૂર ગરિમા પૂર્ણ પ્રાણી આજે પણ માનવામાં આવે છે તેઓ માને છે કે સિંહ નો જન્મ રાજા તરીકે જ થાય છે જેથી તેનો ક્યારેય રાજ્યભિષેક કરવામાં આવતો નથી આટલું વૈભવી અને ખૂબ જ પ્રેમાળ પ્રાણી સિંહ આજે પણ રાજા થી જરા પણ ઉણુ ઉતરે તેમ નથી જોવાથી ખૂબ જ ખૂંખાર પરંતુ તેને જોવાનું સતત મન થયા કરે તેવું આ રજવાડી પ્રાણી અને તેનો ઇતિહાસ આજે અમારી કોલેજમાં સુરક્ષિત સચવાયો છે તેની ખુશી છે." - પી વી બારસીયા, પ્રિન્સિપાલ