જુનાગઢ: સંભવિત બિપોરજોય વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. માનવજીવ સાથોસાથ પશુઓ અને વન્યપ્રાણી સૃષ્ટિને પણ સંભવિત વાવાઝોડાથી સુરક્ષિત રાખવાનું સુદ્રઢ આયોજન વન વિભાગે હાથ ધર્યું છે. વાવાઝોડાની જે વિસ્તારોમાં અસર થવાની છે, તેવા જૂનાગઢના ગીર જંગલના એશિયાટિક લાયન ઉપરાંત કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય અને માતાના મઢ, બરડા તથા નારાયણ સરોવર ખાતે પણ રેસ્ક્યુ ટીમ વ્યૂહાત્મક રીતે તૈનાત કરી દેવામાં આવી છે.
એશિયાટિક સિંહ પ્રાથમિકતા: જૂનાગઢના વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝન અંતર્ગત કુલ 184 ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ વન્ય પ્રાણીઓના બચાવ, રેપિડ એક્શન, ઝાડ હટાવવા સહિતની વિવિધ કામગીરી કરશે. વન્ય પ્રાણીઓ માટેના ઇમરજન્સી SOS મેસેજ મેળવવા માટે 58 કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. જૂનાગઢ વાઇલ્ડલાઇફ અને ટેરિટોરિયલ સર્કલના 9 ડિવિઝનમાં જૂનાગઢ ફોરેસ્ટ સહિત અન્ય જંગલોનો સમાવેશ થાય છે. જેમાં ગીર પૂર્વ, ગીર પશ્વિમ, સાસણ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર અને મોરબીના વિસ્તાર છે.
નદી વિસ્તારમાં ખાસ ટીમ: સિંહોના વિસ્તારમાં સાત નદીઓ અને જળાશયો છે. ભારે વરસાદની સ્થિતિમાં પાણીનો પ્રવાહ તોફાની બને છે. ત્યારે સિંહ કે માનવ જીવનના બચાવની કામગીરી માટે સાતેય નદી વિસ્તારના વિશેષ સ્થાનો પર ટીમ મૂકવામાં આવી છે. ગીર વિસ્તારમાં રહેતા માલધારીઓને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
સિંહો પર વિશેષ નજર: કુદરતી આફતો દરમિયાન સિંહોની હિલચાલ પર દેખરેખ રાખવા માટે સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા સિંહોના ટ્રેકિંગ માટે હાઇટેક લાયન મુવમેન્ટ મોનિટરીંગ સિસ્ટમ વિકસિત કરી છે. જેમાં જૂથમાં રહેતા અમુક સિંહોમાં રેડિયો કોલર લગાવવામાં આવે છે. તેનાથી તેમની હિલચાલ સેટેલાઇટ લિન્ક દ્વારા મોનિટરીંગ સેલમાં નોંધાય છે. અત્યારે મોનિટરીંગ ટીમ દ્વારા રાજ્યના ગીર વન વિસ્તાર અને તટીય ક્ષેત્રમાં રહેતા 40 સિંહો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
આ ચક્રવાતના પડકારોને પહોંચી વળવા માટે અમે સંપૂર્ણપણે તૈયાર અને સજ્જ છીએ. સરકારે અમને અગાઉથી જાણ કરી હોવાથી, અમારી પાસે અમારી SOP તૈયાર છે. અમે પડકારોનો સામનો કરવા માટે વિવિધ ટીમો બનાવી છે. સરકારે અગાઉથી જરૂરી આયોજન અને તકેદારી અંગે પ્લાન બનાવ્યો છે. તે અંગેની તાકીદે બેઠકો યોજવામાં આવી હતી. જેથી ફીલ્ડ પરની તૈયારી અને અમલીકરણ દરમિયાન આવતા પડકારોનો સામનો કરવા માટે પૂરતો સમય મળ્યો છે. --- નિત્યાનંદ શ્રીવાસ્તવ (ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન/અગ્ર મુખ્ય વન સંરક્ષક)
કચ્છના અભ્યારણ્યમાં વિશેષ કાળજી: સંભવિત વાવાઝોડું અત્યારે કચ્છ તરફ આગેકૂચ કરી રહ્યું છે. ત્યારે, કચ્છના અભ્યારણ્ય વિસ્તારમાં પણ રાજ્ય સરકાર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી છે. નારાયણ સરોવર અભયારણ્ય અને દયાપર રેન્જમાં દયાપર, માતાનો મઢ, બરડા અને નારાયણ સરોવર ખાતે ચાર રેસ્ક્યુ ટીમ મોકલવામાં આવી છે. તે સિવાય કચ્છના મોટા રણ વિસ્તારમાં પાંચ સભ્યો ધરાવતી કુલ 13 ટીમ બનાવવામાં આવી છે. વન્યપ્રાણીઓની મદદ માટે વધારાની 6 વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમ બનાવવામાં આવી છે. જેસીબી, ટ્રેક્ટર અને અન્ય જરૂરી સાધનોને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સ્થાનો પર ગોઠવવામાં આવ્યા છે. બચાવ કામગીરી કે અન્ય જરૂરિયાત માટે ઘોરાડ અભયારણ્યમાં ત્રણ ટીમ તહેનાત કરવામાં આવી છે.