જૂનાગઢ: જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગત ફેબ્રુઆરી મહીનામાં ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં અંતે હવે વેરાવળ શહેર પોલીસે ડોક્ટર ચગના પુત્ર હિતાર્થ ચગની ફરિયાદને આધારે આરોપી તરીકે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈ ચુડાસમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરતા જૂનાગઢના રાજકારણમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. પાછલા ત્રણ મહિનાથી ડોક્ટર અતુલ ચગ મામલો રાજ્યની વડી અદાલત અને હવે સુપ્રીમ કોર્ટમાં પણ જવાની તૈયારી કરી રહ્યો હતો. આવા સમયે વેરાવળ પોલીસે સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા ફરી એક વખત અતુલ ચગ મામલામાં નવો વળાંક આવ્યો છે.
હાઈકોર્ટ સુધી પહોંચ્યો મામલો: અત્યાર સુધી ફરિયાદને લઈને મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો હતો. ત્યાં પણ કોઈ અંતિમ નિરાકરણ નહીં આવતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં જવા સુધી આગળ વધી ચૂક્યો હતો. ત્યારે આજે અચાનક વેરાવળ પોલીસે મૃતક તબીબ ડોક્ટર અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગની પોલીસ ફરિયાદને આધારે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારાણ ચુડાસમા વિરુદ્ધ આત્મહત્યા કરવા માટેની દુષ્પ્રેરણા આપવા માટેની ફરિયાદ નોંધીને સાંસદ પિતા પુત્રની જોડીને આરોપી તરીકે દર્શાવ્યા છે.
રાજેશ ચુડાસમાની મુશ્કેલી વધી: આવતા વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પણ આવી રહી છે. આવી પરિસ્થિતિમાં આજે આરોપી તરીકે જાહેર થયેલા ભાજપના જૂનાગઢ લોકસભા બેઠકના સાંસદ રાજેશ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. પાછલી બે ટર્મથી જુનાગઢ સીટનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરતા રાજેશ ચુડાસમાના રાજકીય ભવિષ્ય પર પણ ડો અતુલ ચગ આત્મહત્યા કેસ ખૂબ માઠી અસરો ઊભી કરશે હાલ તો પોલીસે ફરિયાદને આધારે આરોપી તરીકે સાંસદ રાજેશ ચુડાસમા અને તેના પિતા નારણભાઈને દર્શાવ્યા છે. પોલીસ તેની વિધિવત ધરપકડ કરે છે કે કેમ તેને લઈને પણ હવે રાજકીય ગલીયારાઓમાં ભારે ચર્ચાઓ જાગી છે.
શું છે સમગ્ર મામલો?: આ સમગ્ર કેસની વિગત જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની 12મી તારીખે ડોક્ટર અતુલ ચગે તેની હોસ્પિટલમાં આવેલા તેમના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. અતુલ ચગે આત્મહત્યા કરતા પૂર્વે એક ચિઠ્ઠી લખી હતી. જેમાં રાજકીય લોકોના મોટા નામ સામે આવ્યા હતા. અતુલ ચગે પોતાની નોટમાં ભાજપ સાંસદ રાજેશ ચૂડાસમાનું નામ લખ્યું હતું. આ સમગ્ર મામલે વેરાવળ પોલીસ કોઈ રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી ન કરતા હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.