જૂનાગઢઃ સંસ્કૃતને દેવોની ભાષા તરીકે પણ સમગ્ર વિશ્વમાં માનવામાં આવે છે. સંસ્કૃત ભાષાને સમગ્ર વિશ્વની ભાષાઓની જનની પણ ગણવામાં આવે છે, ત્યારે આવી સંસ્કૃત ભાષા પ્રત્યે ગુજરાતમાં જે પ્રકારે સરકારનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. જેને લઈને હવે સંસ્કૃતના વિદ્વાનો અને સંસ્કૃતનો અભ્યાસ કરાવતા આચાર્યોમાં રાજ્ય સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત પાઠશાળા બોર્ડ નામની વ્યવસ્થાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ પ્રક્રિયા કાગળથી આગળ વધી નથી. જેને લઇને પણ સંસ્કૃતના આચાર્યોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેમાં ખાટલે મોટી ખોટ સમાન જૂનાગઢમાં આવેલી જિલ્લાની એકમાત્ર સંસ્કૃત પાઠશાળાનું મકાન છે. જે આજે છેલ્લા પાંચ વર્ષથી જમીનદોસ્ત થયું છે, પરંતુ રાજ્ય સરકાર તેને ફરીથી ઉભું કરાવવામાં માટે તૈયારી દાખવી રહી નથી. જેથી સંસ્કૃતના આચાર્યો રોષે ભરાયા છે.
જૂનાગઢ શહેરને નરસિંહ મહેતાની ભૂમિ અને સાધુ-સંતોની તપોભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખ મળી છે. એવી આ ધર્મનગરીમાં દેવોની ભાષા એવી સંસ્કૃત પ્રત્યે ખૂબ જ ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે.
ભારતના અન્ય રાજ્યોની વાત કરીએ તો, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, કેરળ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં સંસ્કૃતને ફરજિયાત વિષય તરીકે અભ્યાસક્રમોમાં રાખવામાં આવ્યો છે. કેરળ રાજ્યનું માતુર ગામ તો સંપૂર્ણ સંસ્કૃત ગામ હોવાનું પણ બહુમાન ધરાવે છે, ત્યારે ગુજરાત રાજ્ય સરકાર સંસ્કૃત વિદ્યાપીઠને લઈને પણ હવે ઉદાસીનતાના સમયમાંથી બહાર નીકળે તેવી માગ સંસ્કૃતના આચાર્યો પણ કરી રહ્યાં છે.