ઉપરકોટ : ગઈ કાલે ઉપરકોટનું લોકાર્પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું છે. ત્યારે આજે ઉપરકોટમાં પ્રવાસી સુવિધાને લઈને સૌથી મોટી કમજોરી સામે આવી છે. અહીં આવતા પ્રવાસીઓ માટે પીવાના પાણીની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને કારણે પ્રવાસીઓ બગીચામાં છાંટવામાં ઉપયોગમાં લેવાતા પાણીને પી રહ્યા છે, જેનો રોષ આજે પ્રથમ દિવસે જ પ્રવાસીઓમાં જોવા મળે છે.
પ્રવાસીઓએ વ્યક્ત કર્યો રોષ : આજે પ્રથમ દિવસે જ ઉપરકોટની મુલાકાતે આવેલા હર્ષ ભલાણીએ પીવાના પાણી જેવી આવશ્યક સુવિધાઓ પણ ઉપરકોટમાં ઉપલબ્ધ નથી તેનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આટલુ મોટુ રિસ્ટોરેશનનું કામ કરવામાં આવ્યું છે પરંતુ પ્રાથમિક એવી પ્રવાસીઓ માટે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા આજે જોવા મળતી નથી. તેથી પીવાના પાણીની વ્યવસ્થા કરવા રોષ સાથે માગણી કરી હતી.
ગરમીના સમયમાં પીવાના પાણીની વ્યવસ્થા થવી જોઈએ, પરંતુ કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે લોકો પરાણે બગીચામાં છાંટવામાં આવતા પાણીનો સહારો લઈને તરસ બુજાવી રહ્યા છે, આ ખરેખર ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે, તાકીદે પ્રવાસીઓની સુવિધાને ધ્યાને રાખીને પીવાના પાણીની વ્યવસ્થા થવી જોઈએ...હર્ષ ભલાણી ( પ્રવાસી ઉપરકોટ)
ઉપરકોટ આવતા પ્રવાસીઓ માટે મુશ્કેલીના સમાચાર : ચાર વર્ષના રીસ્ટોરેશન કામ પૂર્ણ થયા બાદ ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપરકોટના કિલ્લાને ખુલ્લો મુક્યો છે. જેમાં આજે સૌથી મોટી કમજોરી સામે આવે છે જે પ્રવાસીઓ ઉપરકોટના કિલ્લાના ઐતિહાસિક સ્મારકોને જોવા માટે આવી રહ્યા છે. આ તમામ પ્રવાસીઓ માટે પીવાના પાણીની એક પણ વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. જેને લઈને આજે પ્રથમ દિવસે જ ઉપરકોટમાં મુલાકાતે આવેલા પ્રવાસીઓને ખૂબ જ કડવો અનુભવ થઈ રહ્યો છે. 80 કરોડની આસપાસ થયેલા ખર્ચ બાદ ઉપરકોટના કિલ્લામાં પ્રવાસીઓની સવલતોને જાણે કે નજર અંદાજ કરવામાં આવી હોય તે પ્રકારનો અનુભવ આજે પ્રથમ દિવસે જ ઉપરકોટની મુલાકાતે આવેલા પ્રવાસીઓ કરી રહ્યા હતાં.
પ્રાથમિક એવી પીવાના પાણીની જરૂરિયાત ભુલાઇ : કોઈ પણ પર્યટન કે પ્રવાસી સ્થળ પર યાત્રિકોની સુવિધા માટે પીવાનું ચોખ્ખું પાણી અને શૌચાલય આ બે પ્રાથમિક જરૂરિયાતો સૌથી પહેલા કાર્યરત કરવી પડે. પરંતુ આજે ઉપરકોટમાં પીવાના પાણીની વ્યવસ્થા જાણે કે રિસ્ટોરેશન કામ દરમિયાન ભુલાઈ હોય તેવો માહોલ જોવા મળે છે. જેને કારણે પ્રવાસીઓએ બગીચામાં છાંટવામાં આવતા પાણીની પાઇપ મારફતે તરસ બુજાવતા જોવા મળતા હતાં. ખૂબ મોટા ઉપરકોટના કિલ્લામાં પગપાળા પ્રવાસ કરીને કોઈ પણ વ્યક્તિને તરસ લાગે તે સ્વાભાવિક છે. પરંતુ પર્યટન સ્થળની નજીક કે સમગ્ર ઉપરકોટના કિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને કારણે પ્રવાસીઓને પ્રથમ દિવસે જ પીવાના પાણીને લઈને ખૂબ જ કડવો અનુભવ થયો છે.