જૂનાગઢ : આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેના ભાગરૂપે કેન્દ્ર સરકારના નાણા રાજ્યપ્રધાન ભાગવત કરાડ જૂનાગઢની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેમણે સોશિયલ મીડિયા સેલના કાર્યકરો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાના માધ્યમો થકી કેન્દ્ર સરકારની લોક ઉપયોગી યોજનાઓ પ્રત્યેક વ્યક્તિ સુધી કઈ રીતે પહોંચાડી શકાય તેને લઈને ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીની તૈયારી : કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણાપ્રધાન ભાગવત કરાડે માધ્યમો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી પક્ષ દ્વારા કાર્યક્રમો હાથ ધરાયા છે. ઉપરાંત આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપ 350 અને એનડીએ 400 કરતાં વધુ બેઠકો સાથે ફરી એક વખત સત્તામાં આવી રહી છે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાગવત કરાડનો દાવો : કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણાપ્રધાન ભાગવત કરાડે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બને તે માટે વડાપ્રધાન મોદીએ જે યોજનાઓ બનાવી છે, તેમાં કામ કરવાને લઈને સૌ કોઈને હાકલ કરી છે. વધુમાં 13.05 કરોડ લોકો ગરીબી રેખાની ઉપર પાછલા 9 વર્ષમાં આવ્યા છે. આ પણ કેન્દ્ર સરકારની એક વિશેષ ઉપલબ્ધિ માનવામાં આવે છે. કેન્દ્ર સરકારની યોજનાઓના અમલમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ બાદ ગુજરાત ત્રીજા નંબરે છે. જેથી અહીં કેન્દ્ર સરકારની યોજનાઓને લઈને ખૂબ જ મજબૂત કામ થયું છે.
કેટલીક ખાનગી સેક્ટરની બેંક નાના ઉદ્યોગકારોને ધિરાણ આપવાને લઈને હજુ પણ મુશ્કેલી ઊભી કરે છે. તે દિશામાં પણ કેન્દ્રની સરકાર કામ કરી રહી છે. આગામી દિવસોમાં ખાનગી ક્ષેત્રની બેંકો નાના ઉદ્યોગકારોને ધિરાણ આપી શકે તે માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરવા જઈ રહી છે. -- ભાગવત કરાડ (કેન્દ્રીય રાજ્યકક્ષાના નાણાપ્રધાન)
લોકસભાની ચૂંટણી અંગે નિવેદન : આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ભાગવત કરાડે નિવેદન આપ્યું હતું કે, તેમને જૂનાગઢ લોકસભાના પ્રભારી બનાવ્યા છે. ત્યારે પાછલા વર્ષોના ઇતિહાસને પાછળ રાખીને જૂનાગઢ લોકસભા બેઠક 5 લાખ કરતાં વધુ મતના અંતરથી ભાજપ જીતવા જઈ રહ્યું છે. તે માટેના આયોજન માટે જૂનાગઢ લોકસભા સીટના પ્રભારી બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં જે રીતે કેન્દ્રીય પ્રધાન અને સાંસદોને ધારાસભાની ટિકિટ આપવામાં આવી રહી છે. તે તર્ક પર ગુજરાતમાં કોઈ ધારાસભ્યને સાંસદની ટિકિટ આપવામાં આવશે કે કેમ તે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો છે. જેના પર તેઓ કશું પણ કહેવા માંગતા નથી.