સમગ્ર માહિતી મુજબ, ઉનાના પાલડી ગામના રમેશ મકવાણા અકસ્માત સંબંધે પોલીસ સ્ટેશનમાં જાણકારી મેળવવા જતા પોલીસ કર્મચારીએ આ દલિત યુવાનને બેફામ માર માર્યો હતો. હાલમાં યુવાનને જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢ એ ડિવિઝને અત્યાચારનો ભોગ બનેલા યુવાનની પોલીસ ફરિયાદ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં જણાવીએ તો, દલિતો પર અત્યાચારને લઈને ફરી એક વખત ઉના ચર્ચામાં આવ્યું છે. વર્ષ 2015માં દલિતો પર ગૌસેવકોએ કરેલા હુમલાને લઇ ઉના શહેર સમગ્ર વિશ્વના ફલક ઉપર ચર્ચાનો વિષય બન્યું હતું. ત્યારે ફરી એક વખત ઉના દલિતો પરના અત્યાચારને લઈને લાઈમ લાઈટમાં જોવા મળી રહ્યું છે.
ઉના તાલુકાના પાલડી ગામનો રમેશ મકવાણા નામનો દલિત યુવાન તેના ભાઈ સાથે થયેલા બાઈક અકસ્માતની વિગતો મેળવવા તેમજ વિમાની કાર્યવાહી માટે FIR સહિતની જાણકારી મેળવવા માટે ઉના પોલીસ સ્ટેશનમાં ગયો હતો. પરંતુ આ યુવાનના કહેવા મુજબ, ત્યા હાજર પોલીસ કર્મચારીઓએ તેમને જ્ઞાતિ વિરુદ્ધ હલકા શબ્દો બોલીને ઢોરમાર મારી પોલીસ લોકઅપમાં પુરી દીધો હતો.
અકસ્માત સંબંધી FIR સહિતની માહિતી મેળવવા માટે ઉના પોલીસ સ્ટેશનમાં ગયેલા યુવાનને ઉના પોલીસ સ્ટેશનમાં કામ કરતા જયરાજસિંહ અને અજીતસિંહ નામના 2 કર્મચારીઓએ ઢોરમાર મારી કેફી પીણું પીવડાવીને તેના પર પોલીસ કેસ કરવાની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર મામલો ઉના પોલીસ સ્ટેશનમાં પૂર્ણ કરીને યુવાનને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ આ યુવાને પોલીસ અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે. હાલ પોલીસ સામે પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે.
ફરિયાદી રમેશ મકવાણાની ફરિયાદને આધારે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ તેમજ જયરાજસિંહ ગોહીલ પોલીસ કોન્સ્ટેબલ પર ફરિયાદને આધારે તેમના પર એસ્ટ્રોસીટી એક્ટ મુજબ ઊના પોલીસમાં ફરિયાદ આપતાં બન્ને પોલીસ કર્મીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાયો છે. સમગ્ર બનાવની તપાસ DYSP બામણીયાને સોપવામાં આવી છે. આ બનાવના મૂળ સુધી તટસ્થ તપાસ કરાશે. બનાવમાં શું સત્ય છે તેની પણ તપાસ નિષ્પક્ષ રીતે કરાશે એવું ગીર સોમનાથ ASP અમિત વસાવાએ જણાવ્યું હતું.