અમરેલી/વેરાવળ: 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી થવા જઈ રહી છે. જેમાં સહભાગી થવા માટે વેરાવળ અને અમરેલીના માછીમાર દંપતીને આમંત્રણ મળ્યું છે. જાફરાબાદ તાલુકાના ખારા ગામના કનૈયાલાલ સોલંકી અને વેરાવળના તુલસી ગોહિલને તેમની ધર્મપત્ની સાથે 15મી ઓગસ્ટની સ્વતંત્ર પર્વની ઉજવણીમાં ખાસ ઉપસ્થિત રહેવા માટે સોમવારના દિવસે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે.
75 વર્ષની ઉજવણી બનશે ખાસ: સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 75 વર્ષની ખાસ ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. સ્વતંત્ર પર્વની ઉજવણીમાં જે રાજ્યમાં દરિયાકાંઠો આવેલો છે તે રાજ્યો માંથી બે-બે માછીમાર દંપતિને લાલ કિલ્લા ખાતે 15મી ઓગસ્ટના દિવસે થનાર ઉજવણીમાં ખાસ હાજર રહેવા માટે વિશેષ આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.
સપનું સાકાર થયું: જાફરાબાદ તાલુકાના ખારા ગામના માછીમાર કનૈયાલાલ સોલંકીએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા તેમને જે આમંત્રણ મળ્યું છે તેને લઈને તેઓ ખૂબ જ આનંદિત છે. સપનામાં પણ વિચાર નહોતો કર્યો કે 15મી ઓગસ્ટ જેવા ખૂબ જ જાજરમાન અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં તેમને હાજર રહેવાની કોઈ તક મળશે. પરંતુ તેમનું આ સપનું આજે સાકાર થઈ રહ્યું છે. જેને કારણે તેઓ ખૂબ જ આનંદિત મહેસૂસ કરી રહ્યા છે.
માછીમાર સમાજ માટે ગર્વની બાબત: વેરાવળના આ માછીમાર તુલસીભાઈ ગોહિલે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી માછીમાર પ્રતિનિધિ તરીકે 15મી ઓગસ્ટના સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે. તેના માટે હું વડાપ્રધાન મોદી અને ભારત સરકારનો આભારી છું. દેશના ખૂબ જ મહત્વના કાર્યક્રમમાં માછીમાર સમાજનું પ્રતિનિધિત્વ રહે તે માટેના પ્રયાસને તેઓ કાયમ માટે આવકારતા રહેશે. માછીમાર પ્રતિનિધિ તરીકે હાજર રહેવાની અમને જે તક મળી છે, તે સમગ્ર રાજ્યના માછીમાર સમાજ માટે ખૂબ જ ગર્વની બાબત છે.