- સમગ્ર વિશ્વમાં 16મી સપ્ટેમ્બરે મનાવાઇ છે વિશ્વ ઓઝોન સંરક્ષણ દિવસ
- સતત વધી રહેલા પ્રદુષણને કારણે ઘટી રહેલું ઓઝન ગ્લોબલ વોર્મિંગ માટે ખતરા સમાન
- લોકલ ફોર વોકલનું વડાપ્રધાન મોદીનુ સુચન ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે ઉપયોગી બની શકે
જૂનાગઢ: સમગ્ર વિશ્વમાં આજેે ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1994ની 19 મી ડિસેમ્બરના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘની કારોબારી સભામાં સતત ઘટી રહેલા ઓઝોનના સ્તરને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારથી 16 મી સપ્ટેમ્બરના દિવસને વિશ્વ ઓઝોન સંરક્ષણ દિવસ તરીકે મનાવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વના દેશો ઓઝોન નું સંરક્ષણ થાય તે માટે આજના દિવસે વિશ્વ ઓઝોન સંરક્ષણ દિવસ મનાવી રહ્યાં છે.
આજે સમગ્ર વિશ્વ ઓઝોન સંરક્ષણ દિવસ મનાવવામાં આવી રહ્યું છે. વર્ષ 1987માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિશ્વના 40 કરતાં વધુ દેશોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અંગે ગંભીરતાથી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. તેમજ સતત પ્રદૂષણના વધવાને કારણે પર્યાવરણનું રક્ષણાત્મક પડ ઓઝોન તૂટી રહ્યું છે, જેને લઈને આ બેઠકમાં ખૂબ ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી, પરંતુ કોઈ અંતિમ નિષ્કર્ષ વગર આ બેઠક સમાપ્ત થઈ હતી. ત્યારબાદ 19મી ડિસેમ્બર 1994ના દિવસે ફરીથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠકમાં ઓઝોનના સતત ઘટી રહેલા સ્તરને કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે, દર વર્ષે 16મી સપ્ટેમ્બરના દિવસને વિશ્વ ઓઝોન સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે અને ત્યારથી આજ સુધી આજના દિવસે વિશ્વ ઓઝોન સંરક્ષણ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
વાતાવરણમાં સતત વધી રહેલા પ્રદૂષણ ઔદ્યોગિક વિકાસને કારણે વાહનોની સંખ્યામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો તેમજ આધુનિક કહી શકાય તેવી જીવન શૈલીના અપનાવવાથી વાતાવરણમાં પ્રદૂષણ અને તેનાથી ઉત્પન્ન થતા પ્રદૂષકોની હાજરી ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે. આવા પ્રદૂષણથી ઉત્પન્ન થતાં પ્રદૂષકો આપણું અને પૃથ્વીનું રક્ષણ કવચ કહી શકાય તેવા ઓઝોન પડને ખૂબ જ નુકસાન કરી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં ઓઝોનનું સ્તર સતત ઘટી રહ્યું છે. જેને કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક મહામારી સમાન સમસ્યા પણ હવે ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
વાહનોના ધુમાડામાંથી નીકળતો નાઇટ્રિક ઓક્સાઇડ ઓઝોન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને તેને ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં નુકસાન કરી રહ્યું છે, તો બીજી તરફ આધુનિક શહેરીકરણને લઈને મોટાભાગના ઘરોમાં હવે એર કન્ડીશનર જોવા મળી રહ્યાં છે. વર્ષોથી દરેક ઘરમાં ફ્રીજ પણ સામાન્ય જોવા મળતું હતું. આ એર કન્ડીશનર અને ફ્રીજમાંથી પણ ક્લોરો ફ્લોરો કાર્બન કે હાઇડ્રો ફ્લોરો કાર્બન બહાર નીકળે છે, જે ઓઝોનના સ્તરને તોડી પાડવા માટે પૂરતો છે. સામાન્ય સંજોગોમાં કોઈપણ પ્રદૂષણમાંથી ક્લોરિન જેવો ગેસ નીકળે તે ગ્લોબલ વોર્મિંગ માટે ભયજનક માની શકાય. આવી પરિસ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સમગ્ર વિશ્વ માટે વ્યાપક બની ચૂકી છે. સમય રહેતા તેના પર કોઈ નિયંત્રણ કરવામાં નહીં આવે તો પૃથ્વી એક ધગધગતો ગોળો બની જશે અને તેની કિંમત તમામે ચૂકવવી પડશે.
ગ્લોબલ વોર્મિંગની સમસ્યા માનવ સર્જિત છે, માટે તેનું નિરાકરણ પણ આપણા હાથમાં જ છે. શક્ય હોય ત્યાં સુધી વાહનનો ખૂબ જ અનિવાર્ય સંજોગોમાં ઉપયોગ કરવો આમ કરવાથી વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટશે અને ઓઝોનને નુકસાન થવાનું અટકશે. આવી પરિસ્થિતિમાં સ્થાનિક લેવલે ઉત્પાદન થતા કોઈ પણ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાથી માલના પરિવહન ઓછા થશે. જેને કારણે પણ પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળી રહેશે. લોકલ ફોર વોકલનું વડાપ્રધાન મોદીનુ સુચન ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે ઉપયોગી બની શકે તેમ છે. આધુનિક જીવનશૈલીમાં થોડો બદલાવ કરીને આપણે પ્રદૂષણ મુક્ત વાતાવરણ સર્જી શકવા માટે આજે પણ સમર્થ બનીએ. જો આમ કરવામાં આપણે આગળ આવીશું તો તેને વૈશ્વિક સમસ્યા ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે, તેને ઘટાડવામાં આપણું યોગદાન ચોક્કસ જોવા મળશે.