- આજે સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી થઇ રહી છે
- વર્ષ 2012માં આજના દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી
- રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને નિંદામણ નાશકની વિપરીત અસરોથી જમીનને બચાવવાની મુહિમ
જૂનાગઢઃ 5મી ડિસેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં જમીન દિવસની ઉજવણી વર્ષ 2012થી કરવાની શરૂઆત થઇ છે. વર્ષ 2012માં થાઈલેન્ડના રાજાની અધ્યક્ષ સ્થાને ખોરાક અને ખેતીવાડી સંગઠન દ્વારા જમીનને બચાવવાના ભાગરૂપે વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઇ હતી. સતત વધી રહેલા રાસાયણિક ખાતરના વપરાશ જંતુનાશક દવાનો બિનજરૂરી ઉપયોગ તેમજ શારીરિક શ્રમ ન પડે તે માટે નિંદામણને દૂર કરવાના કેમિકલને કારણે જમીન સતત બિન-ઉપજાવ અને ગુણવત્તા વિહીન બનતી જાય છે. જેની વિપરીત અસરો હવે કૃષિ પેદાશો પર પણ જોવા મળી રહી છે. જેને ધ્યાને રાખીને જમીન દિવસની ઉજવણી વર્ષ ૨૦૧૨થી શરૂ કરવામાં આવી છે.
આધુનિક ખેતી પદ્ધતિને કારણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ બિનજરૂરી રીતે વધ્યો
ખેતીના ક્ષેત્રમાં પણ ખૂબ પ્રગતિ થઈ રહી છે. ગત કેટલાક વર્ષોમાં ખેતી આધુનિક ઢબે અને સાધનોથી થઈ રહી છે. જેને કારણે ખેતરમાં કુદરતી રીતે મળતા નૈસર્ગિક અને જમીનની ગુણવત્તામાં ઉત્તરોઉત્તર વધારો કરે તેવા દેશી ખાતર જમીનથી ખૂબ જ દૂર થવા લાગ્યા છે. જેને કારણે ખેતરમાં રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓ અને નિંદામણ નાશક કેમિકલોની ભરમાર જોવા મળી રહી છે. જેથી જમીનો બિન ઉપજાઉ અને નબળી બની રહી છે. જેની અસર ખેડૂતોની આર્થિક સ્થિતિ અને તેના ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે. ખેડૂતો વધુ ઉત્પાદન લેવાની લાલચમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો બિનજરૂરી અને ખૂબ જ ગંભીર કહી શકાય તેટલા પ્રમાણમાં ઉપયોગ કરતા થયા છે. જેની વિપરીત અસર જમીન પર જોવા મળી રહી છે અને દિવસેને દિવસે જમીન બિન-ઉપજાઉ અને કેમિકલ યુક્ત બનતી જાય છે.
જમીનને બચાવવા માટે નૈસર્ગિક ખેતી પદ્ધતિ એક માત્ર ઉપાય
સતત રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાની સાથે નિંદામણ દૂર કરવા માટેના કેમિકલ જમીનને બિન-ઉપજાવની સાથે રોગીષ્ટ પણ બનાવી રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિમાં જે કૃષિપેદાશો આવી રહ્યા છે, તેમાં પણ જંતુનાશક દવાની સાથે નિંદામણના કેમિકલો અને રાસાયણિક ખાતરનું કેટલોક ભાગ આપણા શરીરમાં પણ આવી રહ્યો છે. જેને કારણે દિવસેને દિવસે નવા રોગો લોકોમાં જોવા મળી રહ્યા છે. આવી વિપરીત પરિસ્થિતિમાંથી જો બહાર નીકળવું હોય તો આપણી પ્રાચીન અને જૂની નૈસર્ગિક ખેતી પદ્ધતિ તરફ ખેડૂતો વળે તો જમીનનું જે બીન-ઉપજાઉપણું છે તેને દૂર કરી શકાય અને તેના દ્વારા મળેલો કૃષિ પાક આરોગ્યની સાથે લોકોને પણ લાભકારી બની શકે છે.