- કોરોના સંક્રમણ અટકે તે માટે મંદિર પ્રશાસનનો નિર્ણય
- ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરને સેનિટાઈઝ કરાયું
- છેલ્લા એક મહિનામાં 75 હજાર માઇ ભક્તોએ કર્યા દર્શન
જૂનાગઢ : શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યા સતત અને ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણના કેસ અત્યાર સુધીના ગુજરાતના ઇતિહાસના સૌથી વધુ રહ્યા છે. ત્યારે સૌ કોઈ ચિંતિત બની રહ્યા છે, આવી પરિસ્થિતિમાં ગિરનાર પર્વત પર આવેલા માઁ અંબાના મંદિરે દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં માઇ ભકતો અંબાજી મંદિર આવી રહ્યા છે, ત્યારે સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે અંબાજી મંદિરને સેનિટાઈઝ દ્વારા કોરોના મુક્ત રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા એક મહિનામાં 75 હજાર માઇ ભકતો અંબાજી મંદિરના દર્શનાર્થે આવ્યા
એક મહિના પહેલા ગિરનાર રોપ-વે સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, ગત 25મી ઓકટોબરથી 25મી નવેમ્બર સુધીમાં ગિરનાર રોપ-વે થકી 75 હજાર કરતા વધુ માઇ ભક્તોએ માઁ અંબાજીના દર્શન કર્યા છે. આ માઈ ભક્તો સમગ્ર રાજ્યના અલગ-અલગ વિસ્તારમાંથી આવતા હોય છે. ત્યારે સતત ચિંતાજનક રીતે આગળ વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને મંદિરને સેનિટાઇઝર કરવામાં આવ્યું છે. જે લોકો કોરોના સંક્રમિત નથી તેવા લોકોને કોરોનાનું સંક્રમણ ન લાગે તેમજ જે લોકો કોરોના સંક્રમિત થયા છે, તેવા લોકો મંદિરે દર્શન કરવા આવીને કોરોનાનો સંક્રમણ વધુ ન ફેલાવી શકે તે માટે મંદિર સંપૂર્ણ સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું.