આગામી 21મી જુલાઈએ જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જઇ રહી છે. જેને, સામાન્ય સંજોગોમાં ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરીને ચૂંટણી જીતવાની અને લડવાની રણનીતિ બનાવતા હોય છે. પરંતુ, નગરપાલિકા જેવી સ્વાયત્ત સંસ્થાની ચુંટણીમાં સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક નેતાઓની ઉપસ્થિતિ અને શહેરમાં તેમના દ્વારા કરવામાં આવેલા કામોને લઈને આગામી 21 તારીખે મતદાન થશે તેવું જૂનાગઢના વરિષ્ઠ અને બુદ્ધિજીવી મતદારો માની રહ્યા છે.
સામાન્ય સંજોગોમાં વિધાનસભા અને લોકસભામાં રાજ્ય અને દેશના મુદ્દાઓને લઈને પ્રચાર-પ્રસાર કરવામાં આવતો હોય છે. તેને ધ્યાને રાખીને જ મતદારો પણ પોતાનો મત આપતા હોય છે. પરંતુ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં યોજાતુ મતદાન અને તેના મુદ્દાઓ વિધાનસભા અને લોકસભા કરતાં બિલકુલ વિપરીત હોય છે. તેમજ અહીં ચૂંટણી લડતા ઉમેદવારોની શાખ પણ એક મહત્વ રાખતી હોય છે. ત્યારે આગામી 21મી તારીખે મતદાન યોજવા જઈ રહ્યું છે જેમાં સ્થાનિક મુદ્દાઓ હાવી રહેશે અને આ જ સ્થાનિક મુદ્દાઓને ધ્યાને રાખીને જૂનાગઢના મતદારો તેમના નગરપતિથી લઈને નગરસેવક સુધીની પસંદગી કરશે.