જૂનાગઢઃ રવિવારનો દિવસ જૂનાગઢના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. કેમ કે રવિવારે જૂનાગઢના ઇતિહાસની પ્રથમ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ઐતિહાસિક પ્રથમ મેરેથોન દોડને સ્પધકોએ ભવ્ય બનાવી હતી.
રવિવારના રોજ જૂનાગઢમાં પ્રથમ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં આઠ હજાર કરતાં વધુ સ્પર્ધકોએ ભાગ લઈને પ્રથમ મેરેથોનને ઐતિહાસિક બનાવી હતી. આ પ્રકારનું મોટું આયોજન જૂનાગઢમાં પ્રથમ વખત કરવામાં આવ્યું હતું. પ્રથમ પ્રયાસે જ જૂનાગઢને ભવ્ય સફળતા મળી હતી. જૂનાગઢ સહિત દેશભરમાંથી સ્પર્ધકોએ આ મેરેથોન દોડમાં ભાગ લઈને સ્વચ્છ જૂનાગઢ અને હેરિટેજ જૂનાગઢના ઉદ્દેશ્યને સાથે તમામ દોડવીરોએ દોડ લગાવીને જૂનાગઢના ઈતિહાસમાં વધુ એક સોનેરી પુષ્પ ઉમેરી આપ્યુ છે.
જૂનાગઢ માટે આ મેરેથોન અનેક પ્રકારે મહત્વ ધરાવતી હતી. જૂનાગઢવાસીઓએ ઉમળકાભેર ભાગ લઈ ગીત-સંગીત અને ડીજેના નાચનો આનંદ પણ માણ્યો હતો. બીજી તરફ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવામાં આવેલા દર્શકોએ પણ સંગીતના તાલે ઝૂમીને મેરેથોનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સ્પર્ધામાં આટલા લોકો એકઠા થયા હોય તેવો પણ જૂનાગઢ માટે આ પ્રથમ બનાવ હતો.
1/ 5 /10 અને 21 કિલોમીટરની ચાર અલગ-અલગ કેટેગરીમાં ઉમળકા સાથે સ્પર્ધકો જોડાયા હતા. નાચગાનની સાથે તમામ સ્પર્ધકોએ આ સ્પર્ધાને પૂરી કરી હતી. સાચા અર્થમાં જૂનાગઢ માટે દોડેલા દોડવીરોએ આ સ્પર્ધાને માત્ર પુરી જ નહોતી કરી, પણ સાચા દિલથી આ સ્પર્ધાને માણી પણ હતી.
જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગના નાના કર્મચારીથી લઈ ઉચ્ચ અધિકારીઓ પણ આ સ્પર્ધામાં જોડાયા હતા.
ભાગ લેનાર દરેક સ્પર્ધકને બિરદાવવામાં આવ્યા હતા, તો સાથે સાથે જૂનાગઢના કોર્પોરેટરોએ પણ સંગીતના તાલે ઝૂમીને જૂનાગઢના આંગણે આવેલો રમત-ગમતના રૂડા અવસરને દિપાવતા જોવા મળ્યા હતા. તેની સાથે સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા આવેલા દર્શકોએ પણ સંગીતના તાલે ઠુમકા લગાવીને સ્પર્ધાને સંગીતમય બનાવી હતી.