જૂનાગઢ શહેરમાં છેલ્લા ૧૧ દિવસથી સતત અને અવિરત વરસાદ પડવાને કારણે જુનાગઢ મનપા વિસ્તારમાં આવેલા તમામ માર્ગોનું ધોવાણ થઇ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે જૂનાગઢના પ્રજાજનોમાં ખખડધજ અને નેસ્ત નાબૂદ થયેલા માર્ગોને લઈને કોઈ રોષ ફાટી નીકળે તે પહેલાં જ જૂનાગઢ મનપાના શાસકોએ પાણી પહેલા પાળ બાંધવાનો નિર્ણય કરી લીધો છે.
સતત વરસાદને કારણે જૂનાગઢ મનપા વિસ્તારના તમામ માર્ગો પાણીમાં ધોવાઈ ગયા છે જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તેને ધ્યાને રાખીને જૂનાગઢ મનપા દ્વારા આગામી દિવસોમાં તૂટી ગયેલા તમામ માર્ગોનું સમારકામ અને જે માર્ગ અને ફરીથી નવીનીકરણ કરવાની જરૂરિયાત ઊભી થશે તેવા તમામ માર્ગો જાણે યુદ્ધના ધોરણે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે તેવું જૂનાગઢના મેયરે જણાવ્યું હતું.
સમગ્ર મામલાને લઇને મનપાના અધિકારીઓ અને કર્મચારીઓએ રાજ્ય સરકારમાં પણ વિનંતી કરતા સરકાર દ્વારા જુનાગઢ મનપાને માર્ગના સમારકામ અને નવિનીકરણ માટે આગામી દિવસોમાં ગ્રાન્ટની ચુકવણી પણ કરવામાં આવશે, જૂનાગઢના માર્ગો ફરી નવીનીકરણ અને સમારકામ તરફ આગળ વધશે જેને લઇને વાહનચાલકોની મુશ્કેલીઓમાં ઘટાડો થશે.