ઉનાળાના આકરા દિવસોની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં પીવાનું તેમજ સિંચાઈ અને પશુધન માટે ઘાસચારાની તીવ્ર તંગી ઉભી થાય તેવી શક્યતાઓ છે. જેને લઇ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સમગ્ર જિલ્લામાં પીવાનું પાણી તેમજ પશુધન માટે ઘાસચારાનું આગવું આયોજન થાય તેવી માંગ કરવામાં હતી.
રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીને લઈને કોઈપણ પ્રકારની તંગી ન રહે અથવા તો પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે આયોજન અંગેની બેઠકો અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના પણ જે કોઈપણ ગામોને પીવાના પાણીની તંગી હોય તેવા ગામોમાં સરકાર દ્વારા ટેન્કર મારફત પાણી પૂરૂં પાડવાની યોજનાઓનો અમલ થવા જઇ રહ્યો છે.
પરંતુ જિલ્લાના કેટલા છેવાડાના ગામો છે.જ્યાં આજદિન સુધી પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ નથી. આને ધ્યાને રાખીને આજે વિસાવદરના કોંગ્રેસી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ જૂનાગઢ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીને મળીને સમગ્ર મામલે ઘટતું કરવાની માંગ કરી હતી
ધારાસભ્ય હર્ષદ રિબડીયા જૂનાગઢ જિલ્લાને મહી યોજના તેમજ નર્મદાના પાણી મારફત જે ગામોમાં પીવાના પાણીની તીવ્ર તંગી છે. ત્યાં આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી તેમજ ધારી નજીક આવેલા ખોડિયાર ડેમમાંથી પણ જે પાણીનો જથ્થો જૂનાગઢના ભાગનો છે. અમરેલી જિલ્લાને આપવામાં આવે છે તેને લઈને પણ વિરોધ કર્યો હતો.
જૂનાગઢ માટે તે જૂનાગઢ જિલ્લાના ગામોને જ મળે તેવી વ્યવસ્થા કરવા પણ જિલ્લા કલેક્ટરને અનુરોધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ જિલ્લાના ગોડાઉનમાંથી અન્ય જિલ્લાને ઘાસચારો પૂરો પાડવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાના ગામોમાં પણ જ્યાં ઘાસચારાની તંગી છે અથવા તો ઘાસચારાની અછત છે. આવા ગામોને પ્રતિ 2 રૂપિયા કિલોના ભાવથી ઘાસચારો ફાળવીને જિલ્લાના પશુધનને બચાવવા માટે પણ સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર આગળ આવે તેવી માંગ કરવામાં આવી હતી.