જૂનાગઢ: જૂનાગઢ શાળા સંચાલક મંડળની સાથે આચાર્ય અને શિક્ષક સંઘ તેમજ શાળા સંચાલક મંડળો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં પાછલા એક દસકા કરતા વધુ સમયથી શિક્ષણ અને શિક્ષક સાથે સંકળાયેલી કેટલીક પડતર માંગોના ઉકેલની માંગ કરી છે. શિક્ષકો દ્વારા મૌન રેલી યોજીને સરકાર શિક્ષકોનું મૌન સમજે નહીં તો આગામી દિવસોમાં શિક્ષક ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે જયારે શિક્ષણ પ્રધાન તરીકે જીતુ વાઘાણી હતા ત્યારે શિક્ષકોને હૈયાધારણા આપવામાં આવી હતી.
આંદોલનની ચીમકી: ઉલ્લેખનીય છે કે રાજ્યના શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને જૂની માંગો લાંબા સમયથી પેન્ડિંગ છે. સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય ન લેતા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં રાજ્ય આચાર્ય સંઘની સાથે વહીવટી સંઘ શિક્ષક સંઘ, શાળા સંચાલક મંડળ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને શિક્ષકો સામેલ થયા હતા. સરકાર શિક્ષણ અને શિક્ષકના હિતમાં યોગ્ય નિર્ણય નહીં કરે તો શિક્ષકો સરકાર સામે ઉગ્ર આંદોલન કરીને પણ લડી લેવાનો મૂળ આજે પ્રદર્શિત કર્યો હતો.
જૂની પેન્શન સ્કીમ: શિક્ષકો દ્વારા જૂની પેન્શન સ્કીમ અને જ્ઞાન સહાયક તેમજ 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે તેનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. વર્ષ 2005 બાદ જે શિક્ષકો શાળામાં શિક્ષક તરીકેની સેવામાં જોડાયા છે તેમને નિવૃત્તિ બાદ નિભાવ ભથ્થું એટલે કે પેન્શન આપવામાં આવતું નથી જે તાકીદે શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી. વધુમાં રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયક યોજના 11 મહિનાના કરાર આધારિત લાગુ કરવામાં આવી છે. તેને તાકીદે દૂર કરીને શિક્ષણ અને શિક્ષકના હિતમાં સરકાર પૂર્ણ સમયના શિક્ષકોની ભરતી કરે તેવી માંગ પણ રેલીમાં કરવામાં આવી હતી.