જુનાગઢ : દેશમાં શિક્ષક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. શિક્ષકથી કારકિર્દીની શરૂઆત કરનાર અને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચનાર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આજે જન્મદિવસ છે. શિક્ષક શું ન કરી શકે અથવા તો શિક્ષક બધુ કરી શકે છે. દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસની ઉજવણી થતી હોય છે. ત્યારે જુનાગઢના સુરેશભાઈ મોણપરા શિક્ષણની અનોખી જ્યોત જગાવી રહ્યા છે. વર્ષ 2019 થી તેઓ અનોખી રીતે શિક્ષણનો વ્યાપ અને વિસ્તાર વધારી રહ્યા છે. તેની પાછળનો તેમનો એક માત્ર ધ્યેય શિક્ષણની સેવા આપવાનો છે. બંધારણે આપેલો શિક્ષણનો મૂળભૂત અધિકાર પ્રત્યેક બાળક સુધી પહોંચે તે માટે તેઓ છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણની એક અનોખી અને અનુકરણીય જ્યોત જગાવીને તેને પ્રસરાવી રહ્યા છે.
શિક્ષણનો સેવાયજ્ઞ : સુરેશભાઈ મોણપરા જૂનાગઢની શાળામાં શિક્ષક તરીકે સેવા આપે છે. પોતે શાળામાં શિક્ષક હોવાને કારણે બપોરના એક વાગ્યા સુધી શાળામાં ફરજ પૂર્ણ કર્યા બાદ સાંજના પાંચ વાગ્યાથી તેઓ સેવાર્થે નીકળી પડે છે. ઝૂંપડપટ્ટી વિસ્તાર કે મજૂર વર્ગના બાળકો કે જે આજે પણ શાળાએ શિક્ષણ મેળવવા માટે જતા નથી. આવા તમામ વિસ્તારના બાળકોને તેમની અનુકૂળતાના સમય અને જગ્યા પર એકત્ર કરે છે. ત્યાં તેમણે શિક્ષણના મૂળભૂત અધિકારથી વાકેફ કરવાની સાથે તેને પાયાનું અક્ષર જ્ઞાન પણ આપી રહ્યા છે. સરકારી શાળામાં મધ્યાહન ભોજન યોજના ચાલી રહી છે, ત્યારે મજૂર વર્ગના આ બાળકો પણ શિક્ષણ લેતા પૂર્વે હળવો નાસ્તો કે ફળફળાદી આરોગે છે.
સુરેશભાઈ મોણપરા : સુરેશભાઈ મોણપરા શિક્ષક હોવાને માટે તેઓ પ્રત્યેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળે તેની ચિંતા કરે છે. શાળાએ ન જતા બાળકોને વિશેષ શિક્ષણ આપી રહ્યા છે. મજુર પરિવારના બાળકો આજે પણ શાળાએ જતા નથી, જે ખૂબ ચિંતાનો વિષય છે. પરંતુ સુરેશભાઈ આવા બાળકોની ઓળખ કરીને તેને પાયાનું પ્રાથમિક શિક્ષણ આપી રહ્યા છે. જે બાળકોને આવનારા દિવસોમાં ખૂબ ઉપયોગી પણ બની રહેશે. શાળાએ ન જતા બાળકો નિરક્ષર રહેશે તેની ચિંતા કરીને આવા બાળકો લખી વાંચી અને બોલી શકે તેટલું શિક્ષણ પ્રાપ્ત કરે, તો તેના જીવનમાં આગળ વધવા માટે પણ શિક્ષણના આ શબ્દો જીવનમાં ઉપયોગી બની શકે તેમ છે. તેવા ધ્યેય સાથે સુરેશભાઈ આજે શ્રમિક અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારજનોના બાળકોને શિક્ષણ આપી રહ્યા છે.