જૂનાગઢ: જૂનાગઢ સ્થિત અંધ કન્યા છાત્રાલયમાં એક વિશેષ ફાસ્ટ ફૂડ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં ભાગ લેનારી દીકરીઓ આંખોથી દિવ્યાંગ છે તેથી તેમને સ્પર્શની ઈન્દ્રિયનો સહારો લઈને રસોઈ બનાવી હતી. દીકરીઓએ સમોસા અને ઘૂઘરા બનાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્પર્ધાનું આયોજન અંધ દીકરીઓને પ્રોત્સાહન આપવાના આશયથી કરવામાં આવ્યું હતું.
અંધ દીકરીઓની કમાલ: સામૂહિક રસોઈ સ્પર્ધામાં ભાગ લેનાર યુવતી રેખા જણાવે છે કે 'સ્પર્ધાના આયોજનથી તેઓ ખુબ ખુશ છે. સમોસા બનાવવા થોડા મુશ્કેલ લાગ્યા હતા કારણ કે સમોસાને યોગ્ય આકાર આપવો અને મસાલો ભરવો એ દ્રષ્ટિ વગર ખુબ અઘરું છે. જયારે પહેલો સમોસું બન્યા બાદ લોકોને એકદમ પરફેક્ટ લાગ્યું હતું. ત્યારબાદ સમોસા બનાવવાથી લઈને તળવા સુધી કોઈ મુશ્કેલી આવી નથી. આવનારા દિવસોમાં આજ પ્રકારની અલગ અલગ ખાવાની ચીજ વસ્તુઓ માત્ર સ્પર્શના સહારે બનાવી શકીએ અને તેમાં પારંગત થવાય તેવી ઈચ્છા છે.'
'અંધ કન્યા છાત્રાલય છાત્રાલયની દીકરીઓ રસોઈમાં પારંગત બને તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં દીકરીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈને આંખે જોઈ ન શકતી હોવા છતાં પણ માત્ર આંગળીઓના સ્પર્શના સહારે ફાસ્ટ ફૂડ બનાવ્યું હતું અને કોઈપણ સામાન્ય યુવતી કરતા જરા પણ ઉણી ઉતરે તેમ નથી તેવું સાબિત કર્યું છે. આ પ્રકારના કાર્યક્રમ થકી દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્સાહમાં વધારો કરી શકાય છે જેને કારણે અમે સામૂહિક સ્પર્ધાનું આયોજન કર્યું હતું.' -મનસુખભાઈ વાજા, સંચાલક અંધ કન્યા છાત્રાલય
ઉત્તમ દ્રષ્ટાંત: ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ પણે અંધ હોવા છતાં માત્ર સ્પર્શના માધ્યમથી દીકરીઓએ ખુબ જ સારી રીતે સમોસા અને ઘૂઘરા બનાવ્યા હતા. અંધ દીકરીઓએ ખુબ જ કુશળતા પૂર્વક રસોઈ બનાવી શકે છે તેનું આદર્શ અને ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. જોકે આવનારા દિવસોમાં આ અંધ દીકરીઓ રસોઈમાં એકદમ પારંગત થઇ જાય તો નવાઈ નહિ.