જૂનાગઢ : જૂના નાગરવાડા વિસ્તારમાં આજે પણ 'ઘર મંદિર' અસ્તિત્વ ધરાવે છે. આજથી 200 વર્ષ પૂર્વે અલગ અલગ સદ ગૃહસ્થોના ઘરમાં શક્તિ સ્વરૂપે માં જગદંબા નું સ્થાનક બિરાજમાન છે. જેને ઘર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. 'ઘર મંદિર' શબ્દ અને ધાર્મિક સ્થળ જૂનાગઢ માટે ખૂબ જ જૂનું છે, પરંતુ અન્ય વિસ્તારના લોકો માટે 'ઘર મંદિર' શબ્દ કદાચ નવો હશે. સામાન્ય રીતે મંદિર આવે એટલે કોઈ મોટું ધાર્મિક સ્થળ હશે તેવી કલ્પના સૌ કોઈ કરે. પરંતુ જૂનાગઢમાં શક્તિ સ્વરૂપે માં જગદંબા ના દસ સ્વરૂપ સદગૃહસ્થ ના ઘરમાં બિરાજમાન છે. જેને 'ઘર મંદિર' તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. અહીં સમગ્ર વર્ષ ભર શક્તિ સ્વરૂપોની પૂજા અને આરાધના નિયમિત રીતે થાય છે. વધુમાં ચૈત્રી અને શારદીય નવરાત્રી ના નવ દિવસો દરમિયાન પ્રત્યેક ઘર મંદિરમાં માતાજીની પૂજાની સાથે બેઠા ગરબાનું પણ આયોજન થતું રહે છે.
કૃષ્ણકાળથી જૂનાગઢનું મહત્વ : જગતગુરુ શ્રી હરિ કૃષ્ણ ના સમયથી જૂનાગઢનું ધાર્મિક મહત્વ જોવા મળે છે. અહીં ગિરનાર પર્વત પર શક્તિ સ્વરૂપે માં જગદંબાના ઉદરના ભાગની મા અંબા તરીકે શક્તિપીઠ ના રૂપમાં પૂજા થાય છે, તેવી જ રીતે જુના નાગરવાડા વિસ્તારમાં પણ શક્તિ સ્વરૂપે જગદંબાનું સ્વયંભૂ સ્થાપન અલગ અલગ ઘરોમાં જોવા મળે છે. પ્રત્યેક ઘરમાં સ્વયંભૂ સ્થાપિત માં જગદંબાના ઇતિહાસ પણ અલગ છે. અહીં શક્તિ સ્વરૂપા માં જગદંબા અને દેવાધિદેવ મહાદેવનું મંદિર પાસ પાસ માં આવેલું છે. માં અંબાજી ચતુર્ભુજ અવસ્થામાં પદ્માસન સ્થિતિમાં બેઠેલા જોવા મળે છે. આ પ્રકારે શક્તિ સ્વરૂપે માં અંબાના દર્શન ભાગ્યે જ કોઈ જગ્યા પર થતા હશે. મોટા ભાગના મંદિરો માં શક્તિ સ્વરૂપા ના દર્શન મુખારવિંદ ના સ્વરૂપે થતા હોય છે, જેથી તેને જીવંત શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મોટા ભાગના મંદિરોમાં મૂર્તિનું સ્થાપન : સામાન્ય રીતે શક્તિ સ્વરૂપ માં જગદંબાના મંદિરમાં મોટે ભાગે ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ ના તત્વો માંથી બનાવવામાં આવેલી મૂર્તિ સ્વરૂપે શ્રી શક્તિ ના દર્શન થતા હોય છે. પરંતુ જૂનાગઢના 10 જેટલા ઘરોમાં સ્વયંભૂ પ્રગટેલા માં જગદંબાના દર્શન થાય છે. અહીં ઘરમાં જ માતાજીનું સ્થાપન થયેલું જોવા મળે છે, તેથી અહીં માતાજી મૂર્તિ સ્વરૂપે બિરાજેલા જોવા મળતા નથી. જુના નાગરવાડા વિસ્તારમાં નવદુર્ગા, ઓસમ, માતરી, અંબાજી દેડકી ના વાઘેશ્વરી, વાઘેશ્વરી માતાજી, દુર્ગા દેવી, સિદ્ધેશ્વરી માતાજી, આદેશ્વરી માતાજી ની સાથે હીરાગીરી માતાજી અષ્ટભૂજા અને પદ્માવતી માતાજી ની સાથે હિંગળાજ માતાજીનું સ્થાપન અલગ અલગ સદ ગ્રહસ્તો ના ઘરમાં આજે પણ જોવા મળે છે.