જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજમાં ગુરૂવારે ફૂડ પ્રોસેસિંગ અને ટેકનોલોજીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના કુલપતિ, પૂર્વ કુલપતિઓ અધ્યાપક અને મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. દિવસે દિવસે ખેતીના ક્ષેત્રે જે સંશોધનો થઈ રહ્યા છે, તેના સંશોધનો ખેડૂતો સુધી પહોંચે અને તેનો લાભ દરેક ખેડૂતને મળે, તે આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
આધુનિક સમયમાં ખેતી પણ હવે મશીનરી ઉપર આધારિત બનતી જાય છે. ત્યારે વિવિધ કૃષિ પેદાશો અનાજ મસાલા ફળફળાદી અને શાકભાજીની જાળવણી, તેમજ તેમને યોગ્ય કક્ષામાં વહેંચવા માટેની શોધ થઈ રહી છે. એક સમય હતો, જ્યારે શાકભાજીથી લઈને અનાજ અને ફળફળાદીના ગ્રેડિંગ માટે માનવ કલાકો ખર્ચવા પડતા હતા. જેને કારણે ફળફ્રૂટથી લઈને શાકભાજી અને અનાજ બજારમાં સમયસર પહોચવામા વિલંબ થતો હતો. પરંતુ હવે જ્યારે ગ્રેડિંગને લઈને અવનવા સંશોધનો થઈ રહ્યા છે. ત્યારે આવા સંશોધનો થકી ખેડૂતોનાં હજારો માનવ કલાકો બચાવી તેમના કૃષિ ઉત્પાદનનું ખૂબ જ ટૂંકા સમયમાં ગ્રેડિંગ કરી યોગ્ય સમયે બજાર સુધી પહોંચાડવા મદદરૂપ બની રહ્યા છે. આયોજિત સેમિનારમાં નિષ્ણાતોએ ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપી આગામી દિવસોમાં ખેતીના ક્ષેત્રમાં આધુનિક ઢબ અપનાવવાની ખેડૂતોને સલાહ આપી હતી.