જુનાગઢ: પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ માટે સતત કામ કરતી જૂનાગઢની સત્ય સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યની પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ માટે સાડી પરીધાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી 120 કરતા વધુ પ્રજ્ઞાચક્ષુ યુવતીઓએ ભાગ લીધો હતો. મહત્વપૂર્ણ છે કે, સત્યમ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ માટે સાડી સ્પર્ધાની સાથે કેટલીક રમતોનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં સમગ્ર રાજ્યની પ્રજ્ઞાચક્ષુ યુવતીઓને તાલીમ આપતી સંસ્થાઓને આમંત્રિત પણ કરાઈ છે.
પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ વસ્ત્ર પરિધાનમાં પારંગત: દર વર્ષે આયોજીત થતી પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ માટેની વસ્ત્ર પરિધાન સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાંથી સહભાગી થયેલી પ્રજ્ઞાચક્ષુ યુવતીઓએ વસ્ત્ર પરિધાનમાં અન્ય સામાન્ય યુવતીઓથી જરા પણ ઉણી ઉતરતી નથી તેવું પ્રભાવશાળી પ્રદર્શન પણ કર્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અન્ય કોઈ પણ વ્યક્તિની મદદ મેળવ્યા વગર અંધ યુવતીઓએ સાડી પરિધાન કરવાની હોય છે. જેમાં સાડીને અનુરૂપ અલંકાર અને અન્ય સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ સ્વયં કરીને સ્પર્ધામાં ભાગ લેવાનો હોય છે, ત્યારે આંખે બિલકુલ જોઈ ન શક્તિઆ પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ કોઈની પણ મદદ લીધા વગર ખૂબ જ સુંદર રીતે સાડી પરિધાન કરીને સ્પર્ધામાં ભાગ લીધો હતો
નિર્ણાયકોનો દંગ રહી ગયા: ખાસ સાડી પરિધાન સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આવેલા કિરણબેન સોલંકીએ સ્પર્ધાના નિયમોને લઈને વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય સ્પર્ધામાં કોઈપણ યુવતીએ સાડી પરિધાન કરીને રેમ્પ પર કેટ વોક કરવાનું હોય છે, પરંતુ પ્રજ્ઞાચક્ષુ યુવતીઓએ સાડી પરિધાન કર્યા બાદ રેમ્પ પર કેટ વોક કરવાનું થતું નથી, સામાન્ય અને પ્રજ્ઞાચક્ષુ યુવતીઓ વચ્ચે યોજાતી સાડી સ્પર્ધામાં આ સૌથી મોટુ અંતર છે. આ સિવાય સાડી પરિધાન સ્પર્ધાના જે નિયમો છે તે પ્રજ્ઞાચક્ષુ અને સામાન્ય યુવતી વચ્ચે બિલકુલ સમાન જોવા મળે છે, સાડી પરિધાન વખતે સાડી પહેરવાની ઢબ યોગ્ય કલર મેચિંગ અને સાડીની સાથે અનુરૂપ બંધ બેસતા દાગીનાને પણ ધ્યાને લેવામાં આવે છે.