જૂનાગઢ: આગામી 15 મી ફેબ્રુઆરીથી લઈને 18 મી ફેબ્રુઆરી દરમ્યાન ગીરની તળેટીમાં મહાશિવરાત્રીના ધાર્મિક મહોત્સવનું આયોજન થશે. સમગ્ર આયોજનને લઈને ભવનાથ મંડળના સાધુ-સંતો, ઉતારા મંડળ અને અન્ન ક્ષેત્ર સહિતના અગ્રણી લોકોની હાજરીમાં જિલ્લા કલેકટર મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ વિભાગ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક સંયુક્ત પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં આગામી મહા શિવરાત્રીના પાંચ દિવસના ધાર્મિક ઉત્સવને લઈને સાધુ સંતો અધિકારીઓ અને ઉતારા મંડળ સાથે સંકળાયેલા સામાજિક સંગઠનો મેળાના આયોજનને લઈને વિચાર વિમર્શ કરીને મેળાનું સુચારુ આયોજન થાય તે માટે અંતિમ પ્રારુપ નક્કી કરશે.
મહામંડલેશ્વર હરીગીરીએ ETV ભારત સાથે કરી વાત: જુના અખાડાના મહામંડલેશ્વર અને હરિદ્વાર સ્થિત હરીગીરી મહારાજે ETV ભારત સાથે મેળાના આયોજનને લઈને વાતચીત કરી હતી. આવતી કાલે તેઓ મિટિંગમાં હાજર રહેવાના છે. પાંચ દિવસ સુધી સમગ્ર દેશ અને દુનિયામાંથી આવતા શિવ ભક્તો માટે પ્રાથમિક જરૂરિયાત કે જેને પૂરી પાડવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની છે તે તમામ સુવિધાઓ મેળો શરૂ થતા પૂર્વે ઊભી કરી દેવામાં આવે તેવી માંગ પણ મિટિંગમાં કરવામાં આવશે.
ઉતારા મંડળ પણ પોતાની રજૂઆતોને અગ્રતા આપશે: મહા શિવરાત્રીના મેળાના આયોજન સાથે પાછલા ઘણા વર્ષોથી સંકળાયેલું ઉતારા મંડળ અને અન્નક્ષેત્રના અગ્રણીઓ પણ આવતી કાલની બેઠકમાં હાજર રહેવાના છે. તેઓ પણ મેળામાં ઉતારા મંડળ અને ખાસ કરીને અન્નક્ષેત્રો ના આયોજન તેમજ વ્યવસ્થા અને તેમને પડતી કેટલીક મુશ્કેલીઓને લઈને પણ બેઠકમાં રજૂઆત કરશે. મહાશિવરાત્રીના મેળામાં ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોની કામગીરી અને જવાબદારી પણ ખૂબ જ મહત્વની બનતી હોય છે.
ધર્માચાર્યો અને નેતાઓ પણ આપશે હાજરી: મહા શિવરાત્રીના મેળા દરમિયાન સમગ્ર દેશમાંથી મહામંડલેશ્વર અને ધર્માચાર્યોની વિશેષ હાજરી જોવા મળતી હોય છે. વધુમાં મેળાના પાંચ દિવસ દરમિયાન ગુજરાતના મુખ્ય પ્રધાનની સાથે અનેક પ્રધાનો હાજરી આપી ચૂક્યા છે. વધુમાં અન્ય રાજ્યના મુખ્યપ્રધાનની સાથે અન્ય પ્રધાનો પણ મેળામાં હાજરી આપવા માટે ભૂતકાળમાં આવી ચૂક્યા છે. મેળાના પાંચ દિવસ દરમિયાન ધર્માચાર્યોની સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યના મુખ્યપ્રધાનો અને પ્રધાનોની હાજરી માટેની વિશેષ વ્યવસ્થા પણ કરવાની હોય છે. આ તમામ સુવિધાઓ અને વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે તેના પર પણ આવતી કાલની બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
આરોગ્ય અને વન-સંપદાને લઈને પણ થશે ચર્ચા: મહા શિવરાત્રીના મેળામાં સમગ્ર દેશ અને દુનિયામાંથી 10 લાખથી વધુ શિવ ભક્તો આવતા હોય છે. આટલી મોટી સંખ્યામાં આવેલા શિવભક્તોની તંદુરસ્તી અને આરોગ્ય જળવાઈ રહે અને કોઈ પણ પરિસ્થિતિમાં શિવભક્તોને તબીબી સવલતો મળી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે.