જૂનાગઢ : રાજકોટ-સોમનાથ વચ્ચે બની રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને કારણે હવે જૂનાગઢ જિલ્લાના 15 કરતાં વધુ ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા બે વર્ષથી પુલ અને માર્ગનું કામ સતત ચાલી રહ્યું છે, ત્યારે ચોમાસા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગની બંને તરફના ખેતરો તળાવના સ્વરૂપમાં ફેરવાય જાય છે. જેને કારણે ચોમાસા દરમિયાન ખેડૂતો ખેતી કરી શકતા નથી. આ સમસ્યા બે વર્ષથી સતત જોવા મળે છે. તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ નહીં આવતા. આજે ખેડૂતોએ જુનાગઢ જિલ્લા કલેકટરને રૂબરૂ મળીને સમસ્યાનું કોઈ અંતિમ નિરાકરણ થાય તે માટેની માંગ કરી છે.
જૂનાગઢ બાયપાસમાં મારી ખેતીલાયક જમીનમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જમીન સંપાદન કર્યા વગર 100 ફૂટ સુધી 1 મીટરની દિવાલ ઉભી કરી દીધી છે. જે બિલકુલ ગેરકાયદેસર છે. તેમ છતાં હજુ સુધી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આ ગેરકાયદેસર બનાવેલી દીવાલને દૂર કરવાને લઈને પણ ઉદાસીન વલણ ધરાવે છે. જેની ફરિયાદો અનેકવાર રાજકોટ ખાતે આવેલી કચેરી અને જૂનાગઢ જિલ્લા કલેકટરને કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યારે ફરી એક વખત આજે અમે કલેકટરને મળવા માટે આવ્યા છીએ અને સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ થાય તેવી ઈચ્છા રાખી રહ્યા છે. - મેરામણ વદર (ખેડૂત, નાંદરખી)
અધિક નિવાસી કલેકટરે આપી બાંહેધરી : જૂનાગઢના અધિક નિવાસી કલેકટર જી.કે. પટેલે આજે ખેડૂતો અને ભારતીય કિસાન સંઘના અગ્રણીઓને બાંહેધરી આપી છે. ખેડૂતોને જણાવ્યું છે કે, આવનારા દિવસોમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી ખેડૂત અને કિસાન સંઘના પ્રતિનિધિઓની સાથે જિલ્લાના અધિકારીઓની એક કમિટીનું ગઠન કરવામાં આવશે. જેમાં સંયુક્ત પણે સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક ચર્ચા વિચારણા કરીને ખેડૂતોના હિતમાં જે કંઈ પણ નિર્ણય કરવાનો થશે તે સંયુક્ત કમિટી કરશે. તેવું આશ્વાસન આજે ભારતીય કિસાન સંઘના અગ્રણીઓ અને અસરગ્રસ્ત ગામોના ખેડૂતોને આપવામાં આવ્યું છે.