જુનાગઢ : વંથલી તાલુકાના કણજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નજીવી બાબતે ઉશ્કેરાઈને એક દર્દીએ હોસ્પિટલ માથે લીધી હતી. પાટો બાંધવા જેવી અતિ સામાન્ય બાબતને લઈને ગામના જ એક દર્દીએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. તેણે આરોગ્ય કેન્દ્રના સાધનો અને બિલ્ડીંગને લોખંડના સળિયા અને ધોકા વડે નુકસાન પહોંચાડ્યું છે. અચાનક ઉશ્કેરાઈ ગયેલા ઈરફાન સોઢા નામના દર્દીએ તોડફોડ કરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ કેતન પરમારે આરોપી ઇરફાન સોઢા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી દર્દીને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
શું છે મામલો ? કણજા ગામમાં રહેતો ઇરફાન સોઢા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સામાન્ય તબીબી સારવાર લઈ રહ્યો છે. ઇરફાન સોઢા આજે સવારે 11:00 કલાકે કણજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યો હતો. કોઈ કારણોસર તેણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી ઉપચાર સામગ્રી અને કેટલીક દવાઓ બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તે જીદ પર ઉતરી આવ્યો હતો. આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ કોઈ પણ પ્રકારની દવા કે અન્ય તબીબી ઉપચાર સામગ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બહાર નહીં લઈ જવા દેવામાં આવે તેવો પ્રતિકાર કર્યો હતો.
ઇરફાન સોઢા પાછલા કેટલાક દિવસથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોઈ ઈજાની સારવાર કરાવી રહ્યો હતો. ત્યારે આજે સવારે તે આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે આવ્યો હતો. તેણે દવા તેમજ અન્ય તબીબી સામગ્રી તેના ઘરે લઈ જવાની જીદ કરી હતી. તબીબી કર્મચારીઓને મનાઈ કરતા દર્દી ઉશ્કેરાઈ ગયો હતો. આરોગ્ય કેન્દ્રમાં પડેલા લાકડાના ધોકા અને લોખંડના સળિયા વડે ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું.-- ડૉ. કેતન પરમાર (કણજા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)
આરોપી વિફર્યો : ઉશ્કેરાઈ ગયેલા ઈરફાન સોઢાએ આરોગ્ય કેન્દ્રમાં પડેલા લોખંડના સળિયા અને લાકડી વડે ઉત્પાત મચાવવાનું શરૂ કર્યું હતું. તેણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કમ્પ્યુટર, ડોક્ટરોની બેસવાની ચેમ્બર, સોલાર લાઈટ પેનલ સહિત ખૂબ મોટા પ્રમાણમાં અન્ય સામગ્રીને નુકસાન પહોંચાડ્યું હતું. ભારે નુકશાન કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. આરોગ્ય કેન્દ્રના તબીબે વંથલી પોલીસમાં આરોપી દર્દી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરીયાદના આધારે વંથલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.