જુનાગઢ: દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ઉજવવામાં આવે છે. ત્યારે જુનાગઢના એક ચિત્રકારે પેઈન્ટિંગના માધ્યમથી સરદાર પટેલને અનોખી રીતે સ્મરણાંજલિ અર્પિત કરી છે. ત્રણ પેઢીથી ચિત્રકારીના વ્યવસાય સાથે સંકળાયેલા વિનોદભાઈ પટેલ નામના આ ચિત્રકારે સરદાર પટેલનું ચિત્ર પીપળાના પાન પર કંડારીને સરદાર પટેલનું દેશ પ્રત્યેનું યોગદાન અને ખાસ કરીને જૂનાગઢની મુક્તિ માટેનું અભિયાન ઉજાગર કર્યુ છે.

પીપળાના પાન પર મહાપુરૂષોના ચિત્રો કંડાર્યા: મહત્વપૂર્ણ છે કે, પીપળાના પાન પર કોઈપણ ચિત્રને ઉપસાવવા માટે ઓછામાં ઓછો 20 દિવસનો સમય લાગે છે, ચિત્ર કરતા પૂર્વે પૂર્ણ કદના પીપળના પાન શોધવા ચિત્ર કરતા પણ વધારે મુશ્કેલ હોય છે, ત્યારે છેલ્લી ત્રણ પેઢીથી ચિત્રકાર તરીકે ઓળખાતા વિનોદભાઈ પટેલ પીપળાના પાન પર પોતાની કલાને નિખારી રહ્યા છે. આ અગાઉ મહાત્મા ગાંધી, ડો આંબેડકર, સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અનેક નામની અનામી તેમજ દેવી-દેવતાઓના ચિત્રોને પીપળાના પાન પર કંડારી ચૂક્યા છે, આજે સરદાર પટેલની જન્મ જયંતી પ્રસંગે તેમણે લોખંડી પુરુષને પીપળાના પાન પર કંડારીને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે.

ચિત્રકાર વિનોદભાઈ પટેલની મહેચ્છા: સરદાર પટેલના ચિત્રને લઈને ચિત્રકાર વિનોદભાઈ પટેલે ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજે સરદાર પટેલની જન્મ જયંતી છે, તેઓ કલાના માધ્યમથી દેશના આ સપૂતને આજે યાદ કરી રહ્યા છે સરદાર પટેલનું દેશ પ્રત્યેનું યોગદાન ક્યારેય વિસરી શકાય તેમ નથી, આવી પરિસ્થિતિમાં સરદાર પટેલને ચિત્રના માધ્યમથી યાદ કરવાની જે તક પ્રાપ્ત થઈ છે તેને હું ખૂબ જ ભાગ્યની ઘડી ગણું છું. આજ પ્રકારે આઝાદીની લડતના લડવૈયાઓની સાથે દેશમાં અન્ય ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ કરનાર વ્યક્તિત્વને પણ ચિત્રના માધ્યમથી સદાય યાદ કરતા રહેવાની પણ તેમણે મહેચ્છા વ્યક્ત કરી હતી.