જૂનાગઢ: આજે વિશ્વ આદિવાસી દિવસ છે. 18મી સદીમાં જુનાગઢના નવાબ દ્વારા અહીંના જંગલોની ખાસ પ્રકારે રક્ષા થાય તે માટે જે તે યુગમાં ખૂબ જ ખડતલ અને જંગલની વચ્ચે રહેનારી સીદ્દી આદિવાસી જનજાતિને જૂનાગઢમાં લાવીને ગીર વિસ્તારના જંગલોનું રક્ષણ થાય તે માટે આશ્રય આપ્યો હતો. આજે 150 વર્ષ પછી પણ સીદ્દી આદિવાસી કે જેનું મૂળ આફ્રિકાનું કુળ છે તે આજે ગુજરાતી બનીને ગુજરાતની પરંપરાને નિભાવી રહ્યા છે. આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાંબુર ગામના હીરબાઈ બેન લોબીના સીદ્દી આદિવાસી સમાજ માટે કરેલા તેમના યોગદાનને વિશેષ રૂપે યાદ કરવો પડે.

રેડિયોના માધ્યમથી સમાજ ઉત્થાનની સેવા: સીદ્દી આદિવાસી હીરબાઈ બેન લોબી રેડિયોના ખાસ શોખીન છે. તેઓ રેડિયોના માધ્યમથી સમાજ ઉપયોગી કાર્યક્રમોનું પ્રસારણ સાંભળીને મહિલા આદિવાસીને ખેતીવાડીના ક્ષેત્રમાં આગળ વધીને પગભર બનવા માટેનો પ્રથમ પ્રયાસ શરૂ કર્યો. જેમાં ગામની કેટલીક મહિલાઓએ હીરબાઈ બેનના પ્રયાસોથી દેશી ખાતર બનાવવાની શરૂઆત કરી. આ એ ઘટના છે કે જ્યારથી સીદ્દી આદિવાસી મહિલાઓ રોજગારી મેળવવાની સાથે સમાજમાં પગભર થવાની દિશામાં અગ્રેસર બની. ત્યારથી લઈને આજ દિન સુધી આદિવાસી મહિલાઓ સમાજના ઉત્થાનની સાથે પગભર બનીને રોજગારીનું નિર્માણ કઈ રીતે થઈ શકે તે દિશામાં સતત કાર્યશીલ જોવા મળે છે.

બહેનોને અર્થવ્યવસ્થા સાથે જોડી: હીરબાઈ લોબીએ સીદ્દી આદિવાસી સમાજની નિરક્ષર મહિલાઓને અર્થ વ્યવસ્થા સાથે જોડવાનું ખૂબ જ કપરુ અને મુશ્કેલ કામ શરૂ કર્યું. તેમના પ્રયાસોથી ગામની કેટલીક મહિલાઓએ એક રૂપિયાનું ખાતું ખોલાવીને બેંકમાં પોતાની હિસ્સેદારી ધીમે ધીમે શરૂ કરાવી. ત્યારથી આજદિન સુધી આદિવાસી બહેનો હવે બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે. સાથે સાથે તેઓ બચત કરવાને લઈને પણ હવે ખૂબ જ પ્રયત્નશીલ બની રહી છે. એક સમયે ગામમાં શિક્ષિત સિદ્ધિ આદિવાસી યુવાન મહિલા કે પુરુષને શોધવો મુશ્કેલ હતો. આજે હીરબાઈ બેનના પ્રયાસોથી ગામમાં શિક્ષિત યુવાનો જોવા મળે છે.

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત: જંગલની રક્ષા માટે આવેલો સીદ્દી આદિવાસી સમાજ આજે હીરબાઈ બેનના પ્રયાસોથી શારીરિક માનસિક અને આર્થિક રીતે ખૂબ જ પગભર અને સક્ષમ બનેલો જોવા મળે છે. પાછલા ઘણા વર્ષોથી હીરબાઈ બેન લોબી સીદ્દી આદિવાસી સમાજના ઉત્થાન અને રોજગારી માટે સતત કાર્યશીલ જોવા મળતા હતા. હીરબાઈ બેનની સમાજ પ્રત્યેની સેવાને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે વર્ષ 2022 માં પદ્મશ્રી એવોર્ડથી તેમને સન્માનિત કર્યા હતા.

હીરબાઈ લોબીનું શું છે અંતિમ સપનું: ETV ભારત સાથે વાત કરતા હીરબાઈ લોબીએ જણાવ્યું હતું કે મારા જીવનનું અંતિમ સપનું ગામમાં રમતગમતના મેદાન સાથેની એક આધુનિક શાળા સંકુલ બને. જેમાં બાળકોને રમતગમતની પ્રકૃતિ સાથે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અને તે પણ હોસ્ટેલની સુવિધા સાથે મળે તે માટેના પ્રયાસો તેમણે શરૂ કર્યા છે. આગામી દિવસોમાં ગામોમાં શાળા સંકુલનું નિર્માણ થાય તે માટે તેઓ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજ્યના મુખ્યપ્રધાનને પણ મળવાનો મક્કમ ઈરાદો રાખી રહ્યા છે. આ માટે તેમણે તેમનું કામ શરૂ પણ કરી દીધું છે.