જૂનાગઢઃ એક પણ કોરોનાનો કેસ જૂનાગઢ શહેરમાં સામે આવ્યો નથી. ત્યારે જૂનાગઢની જનતા આ મહામારીને ખૂબ હળવાશથી લેતી હોય તેવુ લાગી રહ્યુ છે. શહેરના એમ.જી.રોડ અને પંચહાટડી વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જે પ્રકારના દ્રશ્યો આજે જોવા મળ્યા હતા, તે મુજબ એવું કહી શકાય કે, જૂનાગઢ જિલ્લો પણ આગામી દિવસોમાં કોરોના મુક્ત જિલ્લા તરીકે તેનું બહુમાન જાળવી રાખવામાં કદાચ સફળ નહીં થઈ શકે.
લોકડાઉનના સમયમાં જૂનાગઢ શહેરમાં સવારના આઠથી લઈને બપોરના બાર વાગ્યા સુધી જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કરેલા વ્યાપારિક એકમો ખોલવાની શરતી મંજૂરી આપવામાં આવી છે. બે દિવસથી જેમાં કેટલાક વ્યવસાયનો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યના પોલીસ વડાએ કાર અને ટુ-વ્હીલર માટે પણ કડક આદેશો કર્યા છે. શહેરમાં પ્રવાસી માધ્યમ તરીકે ઓટોરિક્ષા આજે પણ પ્રતિબંધ છે, પરંતુ જૂનાગઢ શહેરમાં ઠેરઠેર ઓટોરિક્ષા નિયમિત રીતે ચાલતી હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. ત્યારે કાર પણ જૂનાગઢ શહેરમાં બિલકુલ સામાન્ય દિવસોની જેમ ચાલતી જોવા મળી હતી.