જૂનાગઢઃ ગરીબોની 'કસ્તુરી' ગણાતી ડુંગળીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવ વધારા સાથે અત્યારે છુટક ડુંગળી પ્રતિ કિલો 60થી 80 રુપિયે વેચાય છે. સ્થાનિક બજારોમાં ડુંગળીની આવક ઘટી છે. આ મર્યાદિત આવકને પરિણામે ડુંગળીના ભાવમાં લગભગ 20 રુપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જો આવો ભાવ વધારો સતત જોવા મળશે તો દિવાળી સુધી ડુંગળીનો ભાવ 100 રુપિયા પ્રતિ કિલો થઈ શકે છે.
માર્કેટ યાર્ડની સ્થિતિઃ જૂનાગઢ માર્કેટ યાર્ડમાં પણ હોલસેલ વેચાતી ડુંગળીના ભાવમાં લગભગ 20 રુપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં નાસિક અને મહુવામાંથી આવતી પરપ્રાંતિય ડુંગળીની આવકમાં હજુ મહિના જેટલી વાર છે. તેથી ડુંગળીના ભાવમાં વધારો સતત જોવા મળશે તેવી સંભાવના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. અત્યારે ગરીબોની 'કસ્તુરી' ગણાતી એવી ડુંગળીનો ભાવ વધારો ચિંતાનો વિષય બન્યો છે.
લારીઓમાં વેચાતી મોંઘી ડુંગળીઃ અત્યારે તહેવારના દિવસોમાં ડુંગળીનો ઘરવપરાશ અને વ્યવસાયિક વપરાશ વધી જાય છે. ગરીબો માટે તો ડુંગળી રોજનું જમણ છે. આવામાં ડુંગળીની મર્યાદિત આવકને લીધે તેના હોલસેલ ભાવ વધી ગયા છે. હોલસેલ ભાવ વધતા જ છુટક મળતી ડુંગળીના ભાવ પણ વધી રહ્યા છે. ઘરે લારીઓમાં વેચાવા આવતી ડુંગળીના ભાવો તો 100 રુપિયા પ્રતિ કિલોને સ્પર્શવામાં જ છે. અત્યારે ડુંગળીમાં જોવા મળતો આ ભાવ વધારો ગૃહિણીઓનું બજેટ ખોરવી શકે છે.
આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કુલ 51 ક્વિન્ટલ જેટલી સુકી ડુંગળીનું વેચાણ થયું હતું. ગઈકાલ કરતા આજે જે વેચાણ થયું તેમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ડુંગળીના સોદામાં ઊંચો ભાવ રુ. 900 પ્રતિ 20 કિલો અને નીચો ભાવ રુ. 300 પ્રતિ 20 કિલો નોંધાયો હતો. પરપ્રાંતિય ડુંગળી માર્કેટમાં આવે તેને હજુ એકાદ મહિનો લાગી શકે તેમ હોવાથી હજુ પણ ડુંગળીના ભાવ વધી શકે છે...એચ.બી. ગજેરા(સચિવ, જૂનાગઢ માર્કેટ યાર્ડ)