- રેશ્મા પટેલ સહીતના NCP હોદેદારોની જુનાગઢ માણાવદર ખાતેથી અટકાયત
- NCPએ ભાજપની ઠાઠડી કાઠી વિરોધ કર્યો
- ભારતીય જનતા પાર્ટી પર કર્યા ગંભીર આરોપ
જૂનાગઢઃ જિલ્લાના માણાવદરમાં NCP મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ અને NCP હોદ્દેદારો દ્વારા ભર બજારમાં ભાજપની ઠાઠડી કાઢીને 'ભાજપ તારા વળતા પાણી હાય હાય' ના નારા લગાડી આકરો વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે રેશ્મા પટેલ સહીતના NCP હોદેદારોની જુનાગઢ માણાવદર ખાતેથી અટકાયત કરી હતી.
રેશમા પટેલે ભાજપ પર લગાવ્યા આરોપો
રેશમા પટેલે જણાવ્યું કે કોરોના જેવી મહામારીમાં લોકોની આર્થિક કમર તૂટી ચૂકી છે ત્યારે જનતાનું હિત વિચાર્યા વગર ભાજપ શાસિત માણાવદર નગરપાલિકાએ દરેક કરવેરામાં ખૂબ જ મોટો વધારો કર્યો છે. એ વાતનો અમે NCP સતત વિરોધ કરી રહ્યા છીએ. અને ભાજપના મંત્રી જવાહરભાઈ ચાવડા માત્ર તમાશો જોઇ રહ્યા છે. માણાવદરથી લઇ દરેક ગામડાઓ પાણી, રોડ, રસ્તા લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ હજુ વંચિત છે. ખેડૂતોની હાલત દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે ત્યારે અમે ભાજપની ગુંડા શાહી સામે દબંગથી અવાજ ઉઠાવતા રહેશુ.
જનતાના પૈસાની લૂંટ કરતી ભાજપની ઠાઠડી કાઢી અમે ભાજપને ભાન કરાવ્યું
રેશ્મા પટેલે વધુમાં જણાવેલ કે અમે NCP પાર્ટી દરેક ગામડાંઓમાં ફરીને જનસંપર્ક કરી અને વાસ્તવિક પરિસ્થિતિ જાણીએ છીએ અને પરિસ્થિતિ સુધારવા માટે જે તે જવાબદાર તંત્રને રજૂઆત પણ કરીએ છીએ, અમે આ જ રીતે ભારતીય જનતા પાર્ટીની માર્કેટિંગની રાજનીતિ સામે વાસ્તવિક પરિસ્થિતિ ઉજાગર કરતા રહેશું. જનતાને જાગૃત કરી રાજકીય પરિવર્તન માટે આહવાન કરતા રહેશું. પોલીસ તંત્ર દ્વારા અમારી અટકાયત કરી લેવામાં આવી પણ અમે ડરતા નથી અમે NCP સૈનિકો પ્રજા માટે લડતા રાઈશુ.
આજના આ કાર્યક્રમમાં NCPના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલ, હેતલબેન યાદવ, મુકેશ સુવા, જૈમનિભાઇ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા.