જૂનાગઢ: નવરાત્રી ચાલી રહી છે. આવા સમયે જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સ્વયં પ્રાગટ્ય થયેલા માં વાઘેશ્વરી માઈ ભક્તો અનન્ય શ્રદ્ધા ધરાવી રહ્યા છે. જેને કારણે વાઘેશ્વરી માતાજીને જૂનાગઢના નગરદેવી તરીકે પણ પૂજવામાં આવે છે વાઘેશ્વરી માતાનું મંદિર આજથી 800 વર્ષ પૂર્વે સ્વયં પ્રગટ થયું હોવાની પણ ધાર્મિક લોક વાયકા છે. માતાજીના તળેટી પર પ્રાગટ્ય થવાને લઈને તેમની સાથે ધાર્મિક પરંપરા જોડાયેલી છે. ગિરનાર પર્વત પર માં વાઘેશ્વરી નું સ્થાનક હતુ.
મનોકામના પૂર્ણ: પરંતુ તેમના ભક્તની અનન્ય ભક્તિને લઈને માતાજી પ્રગટ થયા અને ભક્તની ઈચ્છા અનુસાર માતાજી તળેટીમાં તેમના ઘરે પ્રસ્થાન કરે તેવી વિનંતીને લઈને માતાજી પર્વત પરથી નીચે પધાર્યા હતા. પરંતુ માતાજીએ આપેલું વચન માઈ ભક્ત દ્વારા પૂર્ણ ન થતા જે જગ્યા પર આજે વાઘેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં માતાજી સ્થિર થયા અને આજથી 800 વર્ષ પૂર્વે અહીં જ જૂનાગઢના નગરદેવી તરીકે વાઘેશ્વરી માતાજી માઇ ભક્તોને તમામ મનોકામના પૂર્ણ કરે છે.
નવા પણ ધરાવતા હતા અનન્ય શ્રદ્ધા: જૂનાગઢના નવાબી શાસન દરમિયાન જૂનાગઢના અંતિમ નવાબ પણ વાઘેશ્વરી માતામાં ખૂબ જ ધાર્મિક શ્રદ્ધા ધરાવતા હતા નવાબ દ્વારા જે તે સમયે મંદિરમાં આર્થિક અનુદાન આપવાની સાથે માતાજી પર મુગટ અને છત્તરને પણ તેમના દ્વારા અર્પણ કરવામાં આવ્યું છે. આ આભૂષણ આજે પણ વાઘેશ્વરી માતાના મંદિરમાં જોવા મળે છે. નવરાત્રીના દિવસો દરમિયાન નવાબ માતાજીના દર્શન કરવા માટે તેમના પરિવાર સાથે આવતા હોવાની પણ લોક વાયકા આજે જોવા મળે છે. તો બીજી તરફ જુનાગઢના સોલંકી અને રામ નવઘણ વંશના શાસન દરમિયાન પણ તેમનો પરિવાર માતા વાઘેશ્વરીના દર્શન કરવા માટે અચૂક પણે આવતો હતો.
શારદીય નવરાત્રીમાં ધાર્મિક આયોજન: શારદીયા નવરાત્રીમાં વાઘેશ્વરી માતાના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન થઈ રહ્યું છે. માતાજીને દરરોજ નવા શણગારની સાથે આભૂષણોથી ઔલોકિક શણગાર કરવામાં આવે છે. નવ દિવસ દરમિયાન ત્રણ આરતી અને સનાતન ધર્મની સાથે જોડાયેલા ચંડીપાઠ અને અન્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. જેના દર્શન અને પૂજનનો લાભ લઈને માઇ ભક્તો નવરાત્રી દરમિયાનમાં વાઘેશ્વરીના આશીર્વાદ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી મનોકામના કરતા હોય છે.