જૂનાગઢઃ શારદીય નવરાત્રિમાં માતાજીની પૂજા અર્ચના માટે અને પોતાનો ભક્તિભાવ દર્શાવવા માટે વિવિધ અનુષ્ઠાન કરવામાં આવે છે. માઈ ભક્તો ઉપરાંત સાધુ સંતો પણ વિશિષ્ટ અનુષ્ઠાન કરી માતાજી પ્રત્યે પોતાની શ્રદ્ધાનું પ્રમાણ આપતા હોય છે. જેમાં આબુથી જૂનાગઢ પધારેલા જગન્નાથગીરીજીએ અનોખું અનુષ્ઠાન હાથ ધર્યુ છે.
અનોખું અનુષ્ઠાનઃ આબુથી આ અનુષ્ઠાન માટે જગન્નાથગીરીજી ખાસ જૂનાગઢના કાશી વિશ્વનાથ મંદિર પધાર્યા છે. આ અનુષ્ઠાનમાં જગન્નાથગીરીજી પોતાના સમગ્ર શરીરને માટીથી દાટી દે છે. તેમના શરીર પરની માટી પર પાણી અને જવના દાણા નાંખવામાં આવે છે. આ માટી 9 દિવસ સુધી રાખવામાં આવે છે. આ માટી પર જવેરા અંકુરિત થાય છે. આ નવ દિવસ દરમિયાન જગન્નાથગીરીજી અન્ન જળનો ત્યાગ કરે છે. જગન્નાથ ગીરીજી અન્ન જળના ત્યાગ સાથે મૌન વ્રત પણ રાખે છે. આ પ્રકારનું વિશિષ્ટ અનુષ્ઠાન જગન્નાથગીરીજી દર વર્ષે નવરાત્રિમાં માં અંબા માટે કરે છે.
ઘટ સ્થાપન અને જવારાનું વિશેષ મહત્વઃ ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા જગદંબાના અનુષ્ઠાનનું વિશેષ મહત્વ રહેલું છે. જ્યારે શારદીય નવરાત્રિમાં પણ ભકતો અને સંતો પોતાની શ્રદ્ધા મુજબ મા અંબાના વિવિધ અનુષ્ઠાન કરતા હોય છે. જેમાં ઘટ સ્થાપન કરી તેમાં જવારા ઉગાડવાનું વિશેષ મહત્વ રહેલું છે. ઘટ સ્થાપન અને જવારા ઉગાડવામાં માં જગદંબા અને પ્રકૃતિ પૂજનનો મહિમા સમાયેલો છે.
અનુષ્ઠાનમાં બેસતા પૂર્વ બાપુએ તેમને જે વિગતો આપી છે તે મુજબ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય સમગ્ર વિશ્વમાં આનંદ સ્થપાય તે માટે આ નવરાત્રિમાં અનુષ્ઠાન ખૂબ મહત્વનું છે. પોતાના શરીરને જમીનમાં રાખીને તેના પર માટી બિછાવીને માં જગદંબાના જવારાને અંકુરિત કરશે. વિશ્વ કલ્યાણના ઉદ્દેશ્ય સાથે જગન્નાથગીરીબાપુ નવરાત્રિમાં નવ દિવસના અનુષ્ઠાન પર બેઠા છે...પ્રકાશગીરબાપુ(મહંત, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર)