જૂનાગઢ: જૂનાગઢના રાજવીકાળની કેટલીક યાદો એવી છે જે ભાગ્યે જ જોવા કે જાણવા મળે છે. પાલખીથી લઈને પોષાક સુધી, ઓજારથી લઈને આગવી જીવનશૈલી સુધી, તમામ વસ્તુઓના દર્શન જ્યાં થાય એનું નામ મ્યુઝિયમ. જૂનાગઢના નવાબી કાળ ને સાચવીને આજે પણ દરબાર હોલ મ્યુઝિયમ પ્રવાસીઓ માટે જૂનાગઢનો ઇતિહાસ નજર સમક્ષ ઉભો કરે છે. અહીં નવાબી કાળની શાસન વ્યવસ્થા સાથે જોડાયેલી તમામ ચીજ વસ્તુઓ મૂકવામાં આવી છે. જેને નવાબની અંતિમ ઓળખ તરીકે પણ માનવામાં આવે છે.
સક્કરબાગમાં સંગ્રહાલયઃ અંતિમ નવાબ રસુલખાન બાબી દ્વારા વર્ષ 1901 માં સક્કરબાગ અંદર સંગ્રહાલય શરૂ કરાયું હતું. જે આજે જુનાગઢ શહેરના સરદાર બાગ વિસ્તારમાં નવાબી ઇમારતોમાં સ્થળાંતરિત થયું છે. 122 વર્ષ જૂનું દરબાર હોલ મ્યુઝિયમ આજે પણ જુનાગઢ આવતા પ્રત્યેક પ્રવાસીને જૂનાગઢના નવાબી શાસનકાળની યાદ અપાવી જાય છે. અહીં નવાબની સાથે દેશી વિદેશી રાજા રજવાડાઓનો ઇતિહાસ પણ સંગ્રહિત કરાયો છે. જે ખાસ અહીં આવતા પ્રવાસીઓ માટે ઇતિહાસની સાથે પ્રવાસનનું એક ઉમદા માધ્યમ બની રહ્યું છે.
દસ અલગ અલગ વિભાગો તૈયાર: મ્યુઝિયમમાં બનાવાઈ 10 ગેલેરી દરબાર હોલ મ્યુઝિયમમાં રાખવામાં આવેલી અતિ પૌરાણિક અને કીમતી ચીજ વસ્તુઓ માટે દસ અલગ અલગ વિભાગો તૈયાર કરાયા છે. જેમાં રાચરચીલું નવાબનું દરબાર ખાનુ કપડા નવાબના સમયમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સોના અને ચાંદીના આભૂષણો વિશ્વના દેશોમાં ખ્યાતનામ બનેલ કાચના વાસણો અને અરીસાઓ જેવા અલગ અલગ વિભાગો ઊભા કરીને મ્યુઝિયમમાં જૂનાગઢના ઇતિહાસને સાચવવાનો પ્રયાસ કરાયો છે.
"જુનાગઢનું દરબાર હોલ મ્યુઝિયમ 122 વર્ષ પૌરાણિક છે અહીં નવાબી શાસનની અનેક યાદો સંગ્રહાયેલી જોવા મળે છે નવાબના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ ચીજ વસ્તુઓ પૌરાણિક અને અંગ્રેજ તેમજ ફિરંગીઓની સાથે જૂનાગઢના નવાબ દ્વારા બહાર પાડવામાં આવેલા સિક્કાઓ કપડા રાચ રચીલું હથિયાર જુમર અને દરબાર હોલની આબેહૂબ બેઠક વ્યવસ્થા જુનાગઢ મ્યુઝિયમની આજે પણ શાન બની રહી છે જેને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે"--શેફાલીકા અવસ્થી (જૂનાગઢ સંગ્રહાલયના ક્યુરેટર)
લાકડામાં કરાયું ચાંદીનું કોતરકામ: દરબાર હોલ સંગ્રહાલયમાં લાકડાનું ફર્નિચર અને નવાબ અને તેના દરબારીઓને બેસવા માટેના લાકડાના સિંહાસન ઉપર ચાંદીના પતરા પર ખૂબ જ કલાત્મક નકશીકામ કરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢની ઓળખ સમાન સિંહ-દીપડા સહિત જંગલી વન્ય પ્રાણીઓ અને ગિરનારની લીલી પ્રકૃતિને આબેહૂબ કોતરવામાં આવી છે. જે આજે 122 વર્ષ પછી પણ એકદમ આબેહૂબ જોવા મળે છે. નવાબના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતા હથિયારોનો ખજાનો પણ સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યો છે. જેમાં વિવિધ શસ્ત્રો તલવાર પિસ્તોલ તમંચા બંદૂકો અને દેશી રીતે કારતુસ બનાવવાના અલગ અલગ હથિયારો પણ પ્રદર્શિત કરાયા છે. જૂનાગઢના અંતિમ નવા રસુલખાન બાબી જે હથિયારનો ઉપયોગ કરતા હતા. તે પૈકીના સોનાની મૂઠ પટાવાળી તલવાર પણ સંગ્રહાલયમાં પ્રવાસીઓ જોઈ શકે તે માટે ગોઠવવામાં આવ્યા છે.