જૂનાગઢઃ જિલ્લનાના બે દિવસ અગાઉ વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને તેના સહાયકનો રિપોર્ટ પોઝિટિવ આવતા વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ તબીબ અને તેના સહાયકના સંપર્કમાં આવનાર તમામ દર્દીઓનું તબીબો દ્વારા ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
તબીબ જે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા, તેના સંપર્કમાં ભેંસાણ અને વિસાવદર પંથકનાં કેટલાક દર્દીઓ આવ્યા હોવાને કારણે આ તમામ લોકોને તબીબી ચકાસણી થાય તેવી માંગણી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કરી છે. વધુમાં રિબડીયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, વિસાવદર અને ખાસ કરીને ભેંસાણમાં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાલુકાનું સૌથી મોટું કેન્દ્ર છે.
આ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રને તાકીદે સંપૂર્ણ સેનીટાઈઝ કરવામાં આવે તેમજ અહીં કામ કરતાં દરેક કર્મચારીઓનો કોરોના ટેસ્ટ થાય અને તમામ કર્મચારીઓને માસ્ક સેનીટાઈઝર આપવાની માંગ પણ કરી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જે પ્રકારે લોકો હવે વતન પરત ફરી રહ્યાં છે, ત્યારે આરોગ્ય વિભાગે ખૂબ જ સાવચેતી સાથે અહીં આવતા દરેક વ્યક્તિનું તબીબી ચકાસણી કરવી જોઈએ તેવુ સુચન પણ કર્યું હતું.