જૂનાગઢ : જિલ્લામાં આવેલો મહોબતખાન બીજાનો મકબરો હવે નવા રંગરૂપ ધારણ કરવા જઈ રહ્યો છે. રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા અંદાજિત પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે આ મકબરાનું રીનોવેશન કામ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ સ્થળની મુલાકાત રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ લીધી હતી. જેમની સાથે જૂનાગઢ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર તેમજ જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર ઉપસ્થિત રહ્યા હતાં.
મહોબત મકબરાની મુલાકાત લેતા પ્રવાસન પ્રધાન રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અંદાજિત પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે 100 વર્ષ પહેલા બનાવવામાં આવેલા મકબરાનું રિનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર કામ અંગે પ્રવાસન પ્રધાને હાજર રહેલા ઇજનેરો પાસેથી સમગ્ર રીનોવેશન કામની વિગતો મેળવી હતી અને આ કામ પૂર્ણ થઈ મહોબતખાન બીજાનો મકબરો ફરીથી તેના અસલ રંગમાં જોવા મળશે. આ મકબરાને ગુજરાતના તાજમહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે તેની ભવ્યતા આગામી દિવસોમાં સમગ્ર રાષ્ટ્રના લોકોને મળશે અને અહીં પ્રવાસનની એક વિપુલ તક ઉપલબ્ધ બનશે.