જૂનાગઢઃ મહાશિવરાત્રિના મહાપર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો આવતીકાલ (બુધવાર)થી પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આ મેળામાં અનેક ધાર્મિક દ્રષ્ટાંતો દ્રશ્યમાન થશે. કાલથી શરૂ થનારો આ મેળો મહાશિવરાત્રિના દિવસે નાગા સંન્યાસીઓની રવેડી સાથે પૂર્ણ થશે. આ ચાર દિવસ દરમિયાન ધર્મની રક્ષા અને શિવની આરાધના કરતા નાગા સંન્યાસીઓના અનેક ધાર્મિક દ્રષ્ટાંતો દ્રશ્યમાન થતા જોવા મળશે, જેનું આજે ઉદાહરણ ખડેશ્રી બાબાએ પૂરું પાડ્યું છે.
4 દિવસ શિવરાત્રી મેળાના દેખાશે ધાર્મિક દ્રષ્ટાંતોઃ આવતીકાલે (બુધવારે) સવારે શુભ ચોઘડીએ ભવનાથ મહાદેવ મંદિર પર ધર્મની ધજાનું આરોહણ કરીને મહાશિવરાત્રિના પર્વની વિધિવત્ શરૂઆત થશે. ત્યારે આગામી શનિવાર અને મહાશિવરાત્રિ સુધી ભવનાથની ગિરિ તળેટી નાગા સંન્યાસીઓની હાજરીથી જીવંત બની રહી છે. શિવરાત્રિના આ દિવસો દરમિયાન ભવનાથની ગિરિ તળેટીમાં અનેક ધાર્મિક દ્રષ્ટાંતો દ્રશ્યવંત થતાં જોવા મળશે, જેની શરૂઆત ભવનાથની ગિરી તળેટીમાં થતી જોવા મળી રહી છે. તો દશનામ આહ્વાન અખાડાના નાગા સંન્યાસી, જે ખડેશ્રી બાબા તરીકે ઓળખાય છે. તેમણે મહાશિવરાત્રીના મેળામાં તેમનું આસન લગાવી દીધું છે અને દેવાધીદેવ મહાદેવની શિવ ભક્તિમાં લીન થઈ રહ્યા છે.
3 વર્ષથી શિવ આરાધના કરતા પ્રતાપગિરિઃ જૂના દશનામ આહ્વાન અખાડા સાથે જોડાયેલા ખડેશ્રી પ્રતાપગિરિ બાબા છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી સતત ઊભા ઊભા શિવજીની આરાધના કરી રહ્યા છે. તેઓ છેલ્લા 3 વર્ષથી મૌનવ્રત પણ ધારણ કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ અનાજનો ત્યાગ કરીને શિવ ભક્તિમાં સતત ઊભેલા જોવા મળી રહ્યા છે. સતત ઊભા રહેવાના કારણે તેમના પગના સ્નાયુઓ પર ખૂબ જકડાઈ ગયા છે, જે દ્રશ્યમાં દ્રશ્યવંત થઈ રહ્યા છે.
ભક્તો શિવજીની આરાધનામાં મગ્નઃ મહાશિવરાત્રિના આ મેળા દરમિયાન નાગા સંન્યાસીઓનું વિશેષ આકર્ષણ રહેતું હોય છે. ત્યારે આ વર્ષે મેળો શરૂ થાય તે પહેલાં જ નાગા સંન્યાસીઓ શિવભક્તિમાં અવનવા રંગે ડૂબેલા જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં હજી પણ મહાશિવરાત્રિનો મેળો આગળ વધશે. તેમ તેમ ધાર્મિક દ્રષ્ટાંતો મેળાને વધુ ધાર્મિક બનાવશે, જેમાં અનેક નાગા સંન્યાસીઓ અને મેળાને માણવા આવનારા શિવભક્તો શિવજીની આરાધનામાં મગ્ન બનતા પણ જોવા મળશે.