જૂનાગઢ : માળીયા હાટીના અને માંગરોળ માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીના ઓનલાઇન ફોર્મ ભરવા આવતા ખેડૂતોએ અસુવિધાથી કંટાળી જઇને હોબાળો મચાવ્યો હતો. જેમાં ખાસ કરીને હાલ, ચણાની ઓનલાઇન ખરીદીના ફોર્મ ભરાઇ રહ્યા છે. ત્યારે તમામ ગામડેથી આવતા ખેડૂતો ઓનલાઇન માટે માળીયા હાટીના માર્કેટીંગ યાર્ડ ખાતે આવે છે. જયાં કોઇપણ પ્રકારની ખેડૂતો માટે વ્યવસ્થા કરવામાં આવતી નથી.
જેમાં ખેડૂતોએ સુવિધાની માંગણી કરીને હોબાળો મચાવતા આખરે પોલીસે આવીને ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડયો હતો. બીજી તરફ ખેડૂતોએ જણાવ્યું હતું કે, અહી લાઇન કરવામાં નથી આવતી. તેમાં જે ખેડૂતો પાછળથી આવે છે. તેનો પણ પહેલા વારો આવી જાય છે. તેવો ખેડૂતો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.
જયારે હાલ, ખેડૂતોને જે ચણા વહેંચણી કરવાની ઓનલાઇન અરજીઓ તાલુકા મથકે આપેલ છે. જે કામ ઓનલાઇન ફોર્મ ભરવા ગ્રામ પંચાયતોને આપવા ખેડૂતોએ માંગ કરી હતી. જેથી ખેડૂતોને તાલુકા મથક સુધી ધક્કો ખાવો ન પડે તેવી પણ માંગ કરાઇ હતી.
આ બાબતની માંગરોળ પંથકના આગેવાનોએ સાંસદ ધારાસભ્ય સહિતના અધિકારીઓ, પદ અધિકારીઓને ટેલિફોનીક જાણ કરીને સ્થાનિક ગ્રામ પંચાયતમાં ઓનલાઇન નોંધણી થાય તેવી માંગ કરવામાં આવી હતી.